નવી દિલ્હીઃ ગઇકાલની મેચ ભારતીય ક્રિેકટ ઇતિહાસમાં સૌથી રોમાંચક મેચ હતી, છેલ્લા બૉલ પર મેચ ટાઇ થઇ અને બાદમાં સુપર ઓવર રમાઇ, જેમાં રોહિત શર્માએ સળંગ બે છગ્ગા ફટકારીને મેચ જીતાડી દીધી હતી. મેચ જીત્યા બાદ કેપ્ટન કોહલીએ કેટલીક ખાસ રણનીતિ વિશે વાત કરી હતી. જેમાં છેલ્લી ઓવરના છેલ્લા બૉલ પર બનાવેલી ખાસ રણનીતિનો પણ ખુલાસો કર્યો હતો.


મેચ બાદ કોહલીએ કહ્યું કે, એક સમયે મને લાગ્યુ કે અમે હારી ગયા અને કિવી ટીમને જીત નક્કી છે. કેમકે કેપ્ટન કેન વિલિયમસનના 95 રન મહત્વના સાબિત થયા હતા. પણ શમીની છેલ્લી ઓવર અમારા માટે ટર્નિંગ પૉઇન્ટ બન્યો હતો.

કોહલીએ કહ્યું કે, જ્યારે મે શમીને છેલ્લી ઓવર આપી ત્યારે અમે હાર માની લીધી હતી. જોકે, શમીએ ગેમમાં જબરદસ્ત વાપસી કરાવી આપી હતી. જ્યારે છેલ્લા બૉલ પર કિવી ટીમને એક રનની જરૂર હતી, ત્યારે શમીએ રૉસ ટેલરની ગિલ્લીયો ઉડાવી દીધી હતી.



છેલ્લો બૉલ ફેંકતા પહેલા મે અને શમીએ રણનીતિ બનાવી કે આપણે સીધો સ્ટમ્પને જ એટેક કરીશુ, કેમકે આ સિવાય એક રનતો ગમેત્યાંથી કિવી બેટ્સમેન લઇ લેશે, અને અમે સ્ટમ્પને નિશાન કર્યુ અને ટેલર બૉલ્ડ થયો હતો.



ઉલ્લેખનીય છે કે, સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝિલેન્ડની ટીમે 17 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રોહિત શર્મા અને લોકેશ રાહુલની જોડ઼ીએ 20 રન બનાવી ટીમને જીત અપાવી હતી. રોહિતે અંતિમ બે બોલમાં બે સિક્સ ફટકારી ટીમને જીત અપાવી હતી.