નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આઈસીસી મહિલા T-20 વર્લ્ડકપમાં એક પછી એક ટીમોને માત આપીને વિજય મેળવી રહી છે. ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 4 રનથી પરાજય આપ્યો હતો. આ સાથે તેણે ટૂર્નામેન્ટમાં જીતની હેટ્રિક બનાવી છે અને સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં જે અંદાજમાં પ્રદર્શન કરી રહી છે તેનું સૌથી મોટું કારણ આત્મવિશ્વાસ છે. આ વિશ્વાસ મેદાનની બહાર પણ જોવા મળ્યો હતો.

ભારતની મહિલા ખેલાડીઓ મેદાનની બહાર મસ્તી કરી રહ્યાં હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. આઈસીસીએ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં જેમિમાહ રોડ્રિગ્સ ડાન્સ અને મસ્તી કરતી જોવા મળી રહી હતી.

મુંબઈમાં જન્મેલી જેમિમાહ રોડ્રિગ્સ પોતાની રમતની સાથે મસ્તી કરવા માટે પણ જાણીતી છે. તેણે અનેકવાર પોતાના ડાન્સ અને સોંગનો વીડિયો શેર કર્યા છે. પરંતુ આ વખતે તેનો વીડિયો આઈસીસીએ શેર કર્યો હતો. આ વીડિયોમાં જેમિમાહ એક સિક્યોરિટી ગાર્ડ સાથે ડાન્સ કરતાં જોવા મળી હતી.

આઈસીસીએ વીડિયો શેર કરતા લખ્યું હતું કે, હાં, જેમિમાહ રોડ્રિગ્સ. તે એક ઓફ ડ્યૂટી સિક્યોરિટી ગાર્ડની સાથે ડાન્સ કરી રહી છે.’ આ વીડિયો ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ પહેલા શેર કરવામાં આવ્યો હતો.