નવી દિલ્હીઃ રાહુલ દ્રવિડને ભારતીય પુરુષ ટીમના મુખ્ય કોચ બન્યા બાદ ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડે એક અન્ય પૂર્વ ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણને જોડવાનો નિર્ણય લીધો છે. લક્ષ્મણ ટૂંક સમયમાં નેશનલ ક્રિકેટ એકેડમીના અધ્યક્ષ બની શકે છે. આ અગાઉ રાહુલ દ્રવિડ આ પોસ્ટ પર હતા. તેમના ભારતીય ટીમના મુખ્ય કોચ બન્યા બાદ આ પદ ખાલી છે.
એક રિપોર્ટ અનુસાર લક્ષ્મણ ભારત-એ ટીમના સાઉથ આફ્રિકાના પ્રવાસ બાદ પોતાનો પદભાર સંભાળશે. સૌરાષ્ટ્રના પૂર્વ બેટ્સમેન સિતાંશુ કોટક સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતની એ-ટીમના ઇન્ચાર્જ હશે.
બીસીસીઆઇના સૂત્રોના મતે બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ ઇચ્છતા હતા કે રાહુલ દ્રવિડના પ્રોજેક્ટને આગળ વધારવા માટે એક અન્ય મોટા કદના ક્રિકેટરને રાખવામાં આવે. દ્રવિડ અને લક્ષ્મણ પરસ્પર એકબીજાને ખૂબ સારી રીતે સમજે છે. બોર્ડ ટીમ ઇન્ડિયા અને એનસીએ વચ્ચે સારો તાલમેલ ઇચ્છે છે. તેમની નિમણૂક નિયમો અને શરતોના અંતિમ તબક્કામાં છે. આ અંગે જલદી સતાવાર જાહેરાત કરવામાં આવશે.
સૂત્રોના મતે લક્ષ્મણે બીસીસીઆઇ તરફથી બે મહિના અગાઉ મળેલી ઓફરને ના પાડી દીધી હતી. લક્ષ્મણ ભારતીય ટીમના મુખ્ય કોચ પદ માટે બેકઅપ વિકલ્પ હતા. જો રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાના કોચ બનવાનો ઇનકાર કરતા તો લક્ષ્મણ આ જવાબદારી માટે તૈયાર હતા. પરંતુ તે એનસીએના અધ્યની નોકરી માટે તૈયાર નહોતા. અધિકારીએ કહ્યું કે લક્ષ્મણ હૈદરાબાદથી બેંગલુરુ શિફ્ટ થવા માટે રાજી નહોતા.
બોર્ડે આ પદ માટે એપ્લિકેશન મંગાવવી પડશે અને સાથે ઇન્ટરવ્યૂની પ્રક્રિયા પુરી કરવી પડશે. બોર્ડ આ સાથે એનસીએમાં બોલિંગ કોચના પદ માટે જાહેરખબર આપશે. પારસ મહામ્બ્રે હવે ભારતીય પુરુષ ટીમના મુખ્ય કોચ બની ગયા છે. બીસીસીઆઇએ આ પ્રક્રિયા જલદી કરવી પડશે કારણ કે અંડર-19 વર્લ્ડકપને હવે બે મહિના બાકી છે.