નવી દિલ્હીઃ ભારતીય ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહને પાકિસ્તાનના લિજેન્ડ ક્રિકેટર વસીમ અકરમે ખાસ સલાહ આપી છે, વસીમ અકરમના મતે બુમરાહને વધુ આરામ કરવો જોઇએ. ઉલ્લેખનીય છે કે, ભારતીયી ફાસ્ટ બૉલર હાલ આઇસીસીના વનડે બૉલરોના રેન્કિંગમાં નંબર -2 પરની પૉઝિશન પર છે.


ભારતના પૂર્વ ઓપનર બેટ્સમેન આકાશ ચોપડા સાથે તેમના શૉ આકાશવાણી પર વાત કરતાં પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલર વસીમ અકરમે બુમરાહ માટે કેટલીક સલાહ-સૂચન આપ્યા હતા.

અકરમે પોતાના કાઉન્ટી ક્રિકેટના સફર પર નજર નાંખી અને કહ્યું કે હવે સમય બદલાઇ ગયો છે, ભારતીય ટીમ આખુ વર્ષ ક્રિકેટ રમે છે, એટલા માટે બુમરાહ જેવા ખેલાડીએ શરીરને આરામ આપવો જોઇએ, તેને આરામની વધુ જરૂર છે. અકરમે કહ્યું કે બુમરાહ દુનિયાનો નંબર વન બૉલર છે, તેને પોતાના શરીરને આરામ કરવો જોઇએ, તેને કાઉન્ટી ક્રિકેટ પાછળ ભાગવુ જોઇએ નહીં.



અકરમે કહ્યું જ્યારે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ના રમાતી હોય તો બુમરાહે આરામ કરવો જોઇએ, તેને વધુમાં કહ્યું કે હું છ મહિના પાકિસ્તાન તરફથી રમતો હતો અને છ મહિના લંકાશાયર તરફથી, પણ હાલનો સમય બદલાઇ ગયો છે, આજનો યુગ સમયની કમીના કારણે મુશ્કેલ થઇ ગયો છે, એટલે બુમરાહે આરામ જરૂરી છે.

અકરમે કહ્યું કે ટી20 એક બેસ્ટ ફોર્મેટ છે, મનોરંજન છે, મજા આવે છે, ખેલાડીઓને પૈસા મળે છે, પણ હું ખેલાડીઓને ટી20 પ્રદર્શન પર નથી પારખતો. ખેલાડીને હંમેશા લાંબા ફોર્મેટના પ્રદર્શન પર ઓળખવો જોઇએ. બુમરાહ ખરેખર નંબર વન બૉલર છે.