IND vs SA 1st T20: ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામેની પાંચ T20 શ્રેણીની પ્રથમ મેચ હારી ગઈ છે. દિલ્હીમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાનો 7 વિકેટે પરાજય થયો હતો. આ મેચથી જ વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક ત્રણ વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો હતો.






 


મેચમાં દિનેશ કાર્તિક માત્ર બે બોલમાં એક રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારતીય ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ કાર્તિકને સ્ટ્રાઇક આપી ન હતી. આ બાબતે ચાહકો ગુસ્સે થયા અને હાર્દિકને સિનિયર્સનું સન્માન કરવાની સલાહ પણ આપી દીધી હતી.






ઈનિંગની છેલ્લી ઓવરમાં શું થયું?


વાસ્તવમાં ઇનિંગની છેલ્લી ઓવર એનરિક નોર્કિયાએ કરી હતી. તેણે પાંચમો બોલ યોર્કર ફેંક્યો હતો જેને હાર્દિક પંડ્યાએ ડિફેન્સ કર્યો હતો અને બોલ ડીપ મિડવિકેટ તરફ ગયો, પરંતુ હાર્દિકે રન લેવાની ના પાડીને કાર્તિકને સ્ટ્રાઈક આપી ન હતી. તે સમયે હાર્દિક 11 બોલમાં 29 રન બનાવીને રમી રહ્યો હતો. જ્યારે કાર્તિક નવા બેટ્સમેન તરીકે આવ્યો હતો અને ત્યાં સુધી તેણે માત્ર બે બોલ જ રમ્યા હતા.






હાર્દિકને સિનિયરોનું સન્માન કેવી રીતે કરવું તે આવડતું નથી


સ્ટ્રાઈક ન આપ્યા બાદ હાર્દિક છેલ્લા બોલ પર માત્ર બે રન જ બનાવી શક્યો હતો. ત્યારબાદ લોકોએ હાર્દિકને સોશિયલ મીડિયા પર ટ્રોલ કર્યો હતો. એક યુઝરે ટ્વિટર પર લખ્યું- આ હાર્દિક પંડ્યાનું ખરાબ વર્તન છે. તેણે દિનેશ કાર્તિકને સ્ટ્રાઈક આપી ન હતી. તે જાણતો નથી કે સિનિયરોનું સન્માન કેવી રીતે કરવું.






ટીમ ઈન્ડિયાનો 7 વિકેટે પરાજય થયો હતો


વાસ્તવમાં મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 4 વિકેટે 211 રન બનાવ્યા હતા. ઇશાન કિશને 48 બોલમાં 76 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમે 3 વિકેટ ગુમાવીને 19.1 ઓવરમાં 212 રન બનાવી લીધા હતા અને 7 વિકેટે મેચ જીતી લીધી હતી.