Shikhar Dhawan celebrates 37th birthday : ભારતના ઝંઝાવાતી ઓપનર બેટ્સમેન શિખર ધવને આજે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં તેનો 37મો જન્મદિવસ ઉજવ્યો હતો. ટીમ ઈન્ડિયા હાલ બાંગ્લાદેશ પ્રવાસે છે. ધવને તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જેમાં તે ભારતીય ટીમના ખેલાડીઓથી ઘેરાયેલો અને કેક કાપતો નજરે પડે છે. ભારતના કોચ રાહુલ દ્રવિડ, બેટિંગ કોચ વિક્રમ રાઠોર પણ ઉજવણીમાં શામેલ થયા હતા. 


ધવનના વીડિયોને ચાહકો તરફથી ખુબ શુભેચ્છાઓ મળી છે. બેટિંગ લિજેન્ડ બ્રાયન લારા અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલે પણ ધવનને શુભેચ્છાઓ પાઠવી હતી.


ધવન બાંગ્લાદેશ સામેની ODI ટીમનો ભાગ છે. શ્રેણીની પહેલી મેચમાં ભારત એક વિકેટથી હારી ગયું હોવા છતાં બાકીની બે મેચોમાં ધવન ઓપનિંગ કરશે. ડાબોડી બેટ્સમેન ગત મેચમાં 17 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો હતો અને આગામી બે વન-ડેમાં મોટો સ્કોર બનાવે તેવી આશા સેવાઈ રહી છે. 






છેલ્લા કેટલાક વર્ષોથી ધવન માત્ર 50 ઓવરના ફોર્મેટમાં જ રમી રહ્યો છે અને જેમાં તે ઘણી વાર ટીમનું નેતૃત્વ પણ કરી ચુક્યો છે. તે તાજેતરમાં ન્યુઝીલેન્ડ પ્રવાસમાં પણ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો જેમાં ભારત 0-1થી હારી ગયું હતું.


ODI વર્લ્ડકપને હવે ગણતરીના મહિનાઓ બાકી ધવનની 50 ઓવરના ફોર્મેટમાં ઓપનર તરીકે શુભમન ગિલ અને ઈશાન કિશન વચ્ચેની પોતાનું સ્થાન મજબૂત કરવા માટે આકરી હરીફાઈ ચાલી રહી છે. આગામી વર્લ્ડકપ ભારતમાં રમાશે જેમાં ચોક્કસપણે ધવનની પસંદગી થશે તેમ માનવામાં આવી રહ્યું છે. 


ધવને 2015 અને 2019 વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો જ્યાં તેણે 10 મેચમાં 537 રન બનાવ્યા હતા. તેણે 2013માં ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.  તેમાં ભારતે ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. જેમાં 90.75ની એવરેજથી બેટિંગ કરતા ધવને પાંચ મેચમાં 363 રન બનાવ્યા હતાં.