Virat Kohli Angry: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઢાકામાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના ત્રીજા દિવસે વિરાટ કોહલી સતત ચર્ચામાં રહ્યો હતો. દિવસની રમતના અંતે જ્યારે કોહલી બેટિંગ દરમિયાન આઉટ થયો ત્યારે તેની ટક્કર બાંગ્લાદેશના બોલર તૈજુલ ઈસ્લામ સાથે થઈ હતી. હવે તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.






જ્યારે કોહલીએ 22 બોલમાં એક રન બનાવીને મેહંદી હસન મિરાજ સામે તેની વિકેટ ગુમાવી ત્યારે બાંગ્લાદેશી કેમ્પે જોરશોરથી ઉજવણી કરી હતી. આ દરમિયાન તૈજુલ ઈસ્લામે કોહલીને કંઈક કહ્યું જેના પર તે ગુસ્સે થઈ ગયો અને ખેલાડીઓ તરફ પાછો જવા લાગ્યો. મેદાન પરના અમ્પાયરો ત્યાં પહોંચ્યા અને કોહલીને આગળ જતા રોક્યો અને તે જ સમયે બાંગ્લાદેશી કેપ્ટન શાકિબ અલ હસન પણ ત્યાં પહોંચી ગયો હતો. કોહલીએ શાકિબને ફરિયાદ કરી હતી જેના પછી શાકિબ પાછો ફરીને તૈજુલને કંઈક સમજાવતો જોવા મળ્યો હતો. કોહલીની પ્રતિક્રિયા જોઈને એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે તે બાંગ્લાદેશી ખેલાડીના વર્તનથી બિલકુલ ખુશ નથી.


મેચનો ત્રીજો દિવસ કોહલી માટે સારો રહ્યો ન હતો કારણ કે તેની સાથે ઘણું ખોટું થયું હતું. બાંગ્લાદેશની બીજી ઇનિંગમાં કોહલીએ સ્લિપમાં અનેક કેચ છોડ્યા હતા. આમાંના કેટલાક કેચ મુશ્કેલ હતા પરંતુ કોહલી જે પ્રકારનો ફિલ્ડર છે તેની પાસેથી હંમેશા આવા કેચ લેવાની અપેક્ષા રાખવામાં આવે છે. આ પછી ભારતના બીજા દાવમાં તે 22 બોલમાં માત્ર એક રન બનાવીને આઉટ થઈ ગયો.


ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઢાકામાં રમાઈ રહેલી બીજી ટેસ્ટનો ત્રીજો દિવસ ખૂબ જ રોમાંચક રહ્યો. ભારતીય ટીમને મેચ જીતવા માટે 145 રનનો ટાર્ગેટ મળ્યો છે જેના જવાબમાં દિવસની રમત પૂરી થવા સુધી ટીમ ઇન્ડિયાએ ચાર વિકેટના નુકસાન પર 45 રન બનાવી લીધા છે. ભારત તરફથી અક્ષર પટેલ (26*) અને જયદેવ ઉનડકટ (3*) ક્રિઝ પર છે


બાંગ્લાદેશની ટીમ જ્યારે બીજી ઇનિંગ રમવા આવી ત્યારે તેણે પહેલા સેશનમાં જ પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. બીજા દિવસે કોઈ પણ નુકશાન વિના સાત રન બનાવનારા બાંગ્લાદેશને નજમુલ હસન શાંતો, મોમિનુલ હક, શાકિબ અલ હસન અને મુશફિકુર રહીમનીના રૂપમાં ચાર ઝટકા લાગ્યા હતા.ઓપનર બેટ્સમેન ઝાકિર હસને 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જો કે તે પણ કુલ 102 રને પેવેલિયન પરત ફર્યો હતો. બાંગ્લાદેશે 113ના સ્કોર પર છઠ્ઠી વિકેટ પણ ગુમાવી દીધી હતી