Rohit Sharma on Death Bowling:  ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણી જીતી લીધી છે. ભારતે સીરિઝની શરૂઆતની બંને મેચ જીતીને 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતે પોતાની ધરતી પર T20 સીરિઝમાં સાઉથ આફ્રિકાને હરાવ્યુ હતું. જો કે આ જીત બાદ પણ કેપ્ટન રોહિત શર્મા પોતાની ટીમની ડેથ બોલિંગને લઈને ટેન્શનમાં છે.






ગુવાહાટીમાં બીજી T20 મેચ જીત્યા બાદ રોહિત શર્માએ ડેથ બોલિંગ વિશે કહ્યું હતું કે સાચું કહું તો આ (ડેથ બોલિંગ) સેક્શનમાં થોડી ચિંતા છે કારણ કે અમે સારી બોલિંગ નથી કરી રહ્યા. આ તે સેક્શન છે જ્યાં અમને પડકાર મળશે. ચિંતા કરવાની બહુ જરૂર નથી પણ આપણે આપણી જાતને વધુ તૈયાર કરવી પડશે.






આ દરમિયાન રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના બેટિંગ અભિગમને લઈને ખૂબ જ સકારાત્મક દેખાઈ રહ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમે બધા માનીએ છીએ કે અમે ટીમમાં આ જ ઈચ્છીએ છીએ. આ અભિગમ મિશ્ર પરિણામો આપે છે પરંતુ અમે તેની સાથે આગળ વધીશું. ભૂતકાળમાં એના પર ધ્યાન હતું કે દરેકને તક મળવી જોઈએ અને પોતાનું કામ કરે. પરંતુ હવે અમે તેનાથી આગળ વધી ગયા છીએ.


ટીમ ઈન્ડિયાએ સીરિઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે


ગુવાહાટી T20માં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા ટોપ અને મિડલ ઓર્ડરની ધમાકેદાર બેટિંગના કારણે નિર્ધારિત 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 237 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. કેએલ રાહુલ (57), રોહિત શર્મા (43), વિરાટ કોહલી (49) અને સૂર્યકુમાર યાદવે (61) શાનદાર ઇનિંગ્સ રમી હતી. જવાબમાં ડેવિડ મિલર (106) અને ક્વિન્ટન ડી કોક (69)ની ઇનિંગ્સને કારણે સાઉથ આફ્રિકાએ જીતની આશા જીવંત રાખી હતી પરંતુ તેઓ ટાર્ગેટથી 16 રન દૂર રહ્યા હતા. ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ મેચ પણ 8 વિકેટે જીતી લીધી હતી. આવી સ્થિતિમાં તેણે આ શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.