Mongolia vs Singapore Match Won In Just 5 Balls: T20 ફોર્મેટની રજૂઆત બાદ ક્રિકેટ ખૂબ જ ઝડપી બન્યું છે. એક ઓવરમાં 6 છગ્ગા અને 300નો સ્કૉર પણ ટી20 મેચમાં ઘણી વખત જોવા મળ્યો છે. પરંતુ આ વખતે ટી20 ક્રિકેટમાં સાવ વિપરીત થયું, જ્યાં એક ટીમ 10 ઓવરમાં માત્ર 10 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ અને પછી વિરોધી ટીમે એક ઓવર પહેલા માત્ર પાંચ બોલમાં મેચ જીતી લીધી. જાણો આ કમાલ વિશે...


આ આશ્ચર્યજનક પરાક્રમ મંગોલિયા અને સિંગાપોર વચ્ચે રમાયેલી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં થયું. મેચમાં મંગોલિયાની ટીમ 10 ઓવરમાં માત્ર 10 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી, એટલે કે તમે કહી શકો કે મંગોલિયાએ દરેક ઓવરમાં 1 રન બનાવ્યો અને 1 વિકેટ ગુમાવી. ટીમ માટે સૌથી મોટો સ્કોર જોલજાવખાલન શુરાન્ટસેટસેગ અને ગેન્ડેમ્બરેલ ગાનબોલ્ડે બનાવ્યો હતો. બંને બેટ્સમેનોએ અનુક્રમે 02* અને 02 રન બનાવ્યા. ટીમના કુલ 5 બેટ્સમેન ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા. ટીમ તરફથી કોઈ બાઉન્ડ્રી ફટકારવામાં આવી ન હતી. ટીમના કુલ 4 બેટ્સમેનોએ માત્ર 01-01 રન બનાવ્યા હતા.


મેચમાં, સિંગાપોરે ટૉસ જીતીને બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે તેમના બોલરો પુરેપુરી રીતે ખરા ઉતર્યા. આ દરમિયાન સિંગાપોર તરફથી હર્ષ ભારદ્વાજે સૌથી વધુ 6 વિકેટો લીધી હતી. આ સિવાય અક્ષય પુરીએ 2 વિકેટ પોતાના નામે કરી હતી. રાહુલ શેષાદ્રી અને રમેશ કાલિમુથુએ તેમના ખાતામાં 1-1 વિકેટ નોંધાવી હતી. સૌથી વધુ વિકેટ લેનારા હર્ષ ભારદ્વાજે 4 ઓવર ફેંકી જેમાંથી 2 મેડન હતી. આ સિવાય અક્ષય પુરીએ પણ 4 ઓવર નાંખી જેમાંથી 1 મેડન હતી.


લક્ષ્યનો પીછો કરતાં માત્ર 5 બૉલમાં જીતી મેચ 
મંગોલિયાને માત્ર 10 રનમાં ઓલઆઉટ કર્યા બાદ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સિંગાપોરની ટીમે 5 બોલમાં 13/1 રન બનાવીને જીત મેળવી હતી. આ દરમિયાન ટીમે ઇનિંગ્સના પહેલા જ બોલ પર કેપ્ટન મનપ્રીતસિંહ (0)ની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ વિલિયમ સિમ્પસને 2 બોલમાં 6* રન અને રાઉલ શર્માએ 2 બોલમાં 7* રન બનાવી ટીમને વિજય અપાવ્યો હતો. આ મેચ ICC મેન્સ T20 વર્લ્ડકપ એશિયા ક્વૉલિફાયર A 2024માં રમાઈ હતી.


આ પણ વાંચો


AUS vs SCO: ટ્રેવિસ હેડનો કમાલ, 320ની સ્ટ્રાઇક રેટથી ઇનિંગ રમીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ