નવી દિલ્હી: વેસ્ટઈન્ડીઝના 39 વર્ષીય સ્ટાર ક્રિકેટર માર્લન સેમ્યુઅલ્સે ક્રિકેટને અલવિદા કહી દીધું છે. માર્લન સેમ્યુએલ્સે ડિસેમ્બર 2018માં વેસ્ટઈન્ડીઝ માટે અંતિમ વનડે રમી હતી. વેસ્ટઈન્ડીઝ ક્રિકેટે તેની નિવૃતિ અંગે જાણકારી આપી હતી. સેમ્યુઅલ્સ હાલમાં જ સ્ટોક્સ સાથે વિવાદના કારણે ચર્ચમાં આવ્યો હતો.


વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ જણાવ્યું કે, સેમ્યુઅલ્સે આ વર્ષના જૂનમાં જ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. સેમ્યુઅલ્સે વેસ્ટઈન્ડીઝ માટે 2012 અને 2016માં ટી20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સેમન બન્યો હતો. બન્ને વર્લ્ડકપની ફાઈનલમાં પોતાની શાનદાર ઈનિંગથી ટીમને જીત અપાવી હતી.

સેમ્યુઅલ્સે 71 ટેસ્ટ મેચમાં 32.64ની એવરેજ સાથે 3971 રન બનાવ્યા. જેમાં 1 બેવડી સદી સહિત સાત સદી નોંધાવી હતી અને 24 ફિફ્ટી મારી હતી. સાથે તેમણે ટેસ્ટમાં 41 વિકેટ પણ લીધી હતી. જ્યારે 207 વનડેમાં 5606 રન બનાવ્યા છે અને તેમાં 10 સદી અને 30 અડધી સદી નોંધાવી હતી. વનડેમાં સેમ્યુઅલ્સે 89 વિકેટ પણ લીધી હતી. ટી20માં સેમ્યુઅલ્સનો શાનદાર રેકોર્ડ રહ્યો. તેણે 67 મેચમાં 10 અડધી સદી મદદથી 1611 રન બનાવ્યા હતા.

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સેમ્યુઅલ્સને માત્ર 16 મેચ રમવાની તક મળી હતી જેમાં તે માત્ર 161 રન જ બનાવી શક્યો હતો અને 9 વિકેટ લીધી હતી.