નવી દિલ્હીઃ ક્રિકેટ હંમેશા અનિશ્ચિતતાનો ખેલ છે. ક્રિકેટમાં ગમે ત્યારે ગમે તે બની શકે છે. આવુ જ ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન વચ્ચેની એક મેચમાં બન્યુ છે. ઝિમ્બાબ્વેી ટીમે ત્રણ મેચોની સીરીઝની છેલ્લી વનડે મેચમાં પાકિસ્તાની ટીમને સુપર ઓવરમાં માત આપી દીધી.

ઝિમ્બાબ્વે તરફથી સીન વિલિયમ્સે અણનમ સદી ફટકારી અને તે જીતનો હીરો સાબિત થયો હતો. આ ઉપરાંત ફાસ્ટ બૉલર બ્લેસિંગ મુજરબાનીએ પણ દમદાર બૉલિંગ કરતા પાંચ વિકેટ ઝડપી હતી. પાકિસ્તાનની ટીમ જોકે, 2-1થી સીરીઝ જીતવામાં સફળ રહી હતી.

મુજરબાનીએ સુપર ઓવરમાં શાનદાર બૉલિંગ કરી જેનાથી ઇફ્તિકાર અહેમદ અને ખુશદિલ શાહની વિકેટ ગુમાવનારુ પાકિસ્તાન બે રન જ બનાવી શક્યુ. આ પછી ટેલર અને રજાએ શાહીન શાહ આફ્રિદીના ત્રીજા બૉલ પર પોતાની ટીમને જીત અપાવી દીધી હતી. આ સીરીઝ વર્લ્ડકપ સુપર લીગનો ભાગ હતી, જેનાથી પાકિસ્તાને બે જીતથી 20 જ્યારે ઝિમ્બાબ્વેએ એક જીત સાથે 10 પૉઇન્ટ મેળવી લીધા હતા.

મેચની વાત કરીએ તો ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 278 રન બનાવ્યા, બાદમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમે પણ 50 રન ઓવર રમી પરંતુ 9 વિકેટ ગુમાવીને સ્કૉર લેવલ જ કરી શકી હતી. આ કારણે સુપર ઓવર આવી અને બાદમાં ઝિમ્બાબ્વેએ સુપર ઓવરમાં જીત હાંસલ કરી લીધી હતી.