નવી દિલ્હીઃ સચિન તેંડુલકર એક શ્રેષ્ઠ બેટ્સમેન હોવાની સાથે અનેક ખેલાડીઓનો રોલ મોડલ પણ છે. આ લિસ્ટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એબી ડીવિલિયર્સનું નામ પણ સામેલ છે. તેંડુલકરે નાની ઉંમરમાં કરિયરની શરૂઆત કરી હતી અને લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયા માટે રમ્યો. રેકોર્ડ બુકમાં અનેક રેકોર્ડ નોંધાવનારા સચિનની સફળ અને લાંબી કરિયર રહી હતી.

આજના સમયમાં સચિન સાથે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની તુલના કરવામાં આવી રહી છે. કોહલીએ તેંડુલકરના અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છે. વન ડેમાં 43 સદી સાથે કોહલી હવે તેંડુલકરની 49 સદીથી માત્ર છ ડગલા જ દૂર છે.

સાઉથ આફ્રિકાના બેટ્સમેન એબી ડિવિલિયર્સને ઈન્સ્ટાગ્રામ ચેટમાં સચિન અને કોહલીમાંથી કોણ શ્રેષ્ઠ પૂછવામાં આવ્યુ હતું. જેનો ક્ષણભરનો વિચાર કર્યા વગર તેણે સચિન તેંડુલકરનું નામ લીધું હતું. તેણે કહ્યું, હું તેંડુલકરને મારો રોલ મોડલ માનું છું. જો તમે આ સવાલ વિરાટને પૂછશો તો વિરાટ પણ સચિનનું નામ લેશે. ડિવિલિયર્સે કહ્યું, એક મામલામાં વિરાટ સચિન આગળ છે અને તે છે તેની રન ચેઝ કરવાની રીત.

લોકડાઉનના કારણે તમામ ક્રિકેટર્સ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને સતત ઈન્સ્ટાગ્રામ લાઈવ દ્વારા ફેન્સ સાથે સંપર્કમાં રહે છે.