BCCI: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન તેના 3 ખેલાડીઓને ભારત મોકલવાનો નિર્ણય કર્યો છે. ત્રણેય ફાસ્ટ બોલર છે અને ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં રમાયેલી ત્રણ મેચમાં તેમને તક મળી નથી. સ્વદેશ પરત ફર્યા બાદ આ ખેલાડીઓ વિજય હજારે ટ્રોફીમાં રમતા જોવા મળશે. વિજય હજારે ટ્રોફી 21 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે અને 18 જાન્યુઆરી સુધી ચાલશે. આ ખેલાડીઓમાં મુકેશ કુમાર, યશ દયાલ અને નવદીપ સૈનીનો સમાવેશ થાય છે જેમને ટીમ ઈન્ડિયા સાથે રિઝર્વ પ્લેયર તરીકે રાખવામાં આવ્યા હતા.
ઓસ્ટ્રેલિયા સામેની બાકીની બે ટેસ્ટ મેચોમાં ત્રણેય બોલરોને તક મળવી મુશ્કેલ હતી આવી સ્થિતિમાં ભારતીય બોર્ડે આ બોલરોને રીલિઝ કરવાનો નિર્ણય લીધો હતો. બોર્ડે આ ત્રણને પહેલા રિલીઝ કર્યા જેથી તેઓ ભારત પરત ફરી શકે અને વિજય હજારે ટ્રોફી પહેલા પૂરતી પ્રેક્ટિસ કરી શકે. બંગાળની ટીમે મુકેશ કુમારને પોતાની ટીમમાં સ્થાન આપ્યું છે. વિજય હજારે ટ્રોફી માટે બંગાળે મોહમ્મદ શમીને પણ પોતાની ટીમમાં સામેલ કર્યો છે, જે પોતાની ફિટનેસ સાબિત કરતો જોવા મળશે. શમીની ઓસ્ટ્રેલિયા જવાની આશા ધૂંધળી થઈ રહી છે.
ભારત પાસે 5 ફાસ્ટ બોલર છે
ટીમ ઈન્ડિયામાંથી મુકેશ કુમાર, નવદીપ સૈની અને યશ દયાલને બહાર કર્યા પછી પણ ભારતીય ટીમ પાસે હજુ પણ 5 ફાસ્ટ બોલર છે જેમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, હર્ષિત રાણા અને પ્રસિદ્ધ કૃષ્ણાનો સમાવેશ થાય છે. મુકેશ અને સૈની શરૂઆતથી જ ટીમ ઈન્ડિયાની સાથે હતા. આ બંને ઇન્ડિયા-એ સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયા હતા જ્યાં તેમનો સામનો ઓસ્ટ્રેલિયા-એ ટીમ સાથે થયો હતો. મુકેશે ઓસ્ટ્રેલિયા A સામે બંને બિનસત્તાવાર ટેસ્ટ રમી હતી જેમાં તેણે 11 વિકેટ ઝડપી હતી.
મુકેશ બંગાળ અને યશ ઉત્તર પ્રદેશની ટીમ તરફથી રમશે
નવદીપ સૈનીને માત્ર એક પ્રેક્ટિસ ગેમમાં રમવાની તક મળી હતી. ખલીલ અહેમદની જગ્યાએ યશ દયાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ખલીલ અહેમદ ઓસ્ટ્રેલિયાથી રમ્યા વિના ઈજાગ્રસ્ત પરત ફર્યો હતો. યશ વિજય હજારે ટ્રોફી માટે ઉત્તર પ્રદેશની ટીમ સાથે જોડાશે, મુકેશ બંગાળ માટે બોલિંગ કરતો જોવા મળશે જ્યારે સૈની વિજય હજારે ટ્રોફીમાં દિલ્હી માટે બોલિંગ કરતો જોવા મળશે. ઓપનર અભિમન્યુ ઇશ્વરન અને દેવદત્ત પડ્ડિકલને પણ ટીમમાંથી રીલિઝ કરવામાં આવી શકે છે.