Kane Williamson Broke Virat Kohli Record: ટ્રાઇ સિરીઝ 2025ની ફાઇનલ મેચ (14 ફેબ્રુઆરી 2025) પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી.  જ્યાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન કેન વિલિયમસન માત્ર 34 રન જ બનાવી આઉટ થયો હતો. આમ છતાં તેણે એક વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. તે ODI ફોર્મેટમાં સૌથી ઝડપી 7000 રન બનાવનાર વિશ્વનો બીજો બેટ્સમેન બની ગયો છે. આ ખાસ બાબતમાં તેણે બીજા કોઈને નહીં પરંતુ ટીમ ઈન્ડિયાના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીને પાછળ છોડી દિધો છે. કોહલીએ 161 ઇનિંગ્સમાં વનડેમાં 7000 રન પૂરા કર્યા હતા. જ્યારે વિલિયમસને 159 ઇનિંગ્સમાં 7000 રન પૂરા કર્યા છે.


દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમના પૂર્વ અનુભવી ઓપનિંગ બેટ્સમેન હાશિમ અમલાનું નામ પ્રથમ સ્થાને આવે છે. જેણે પોતાની ટીમ માટે 153 મેચ રમીને માત્ર 150 ઇનિંગ્સમાં 7000 રન બનાવ્યા હતા. અમલા પછી કેન વિલિયમસન બીજા સ્થાને આવી ગયો છે. વિરાટ કોહલી એક સ્થાન સરકીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.



ODIમાં સૌથી ઝડપી 7000 રન બનાવનાર વિશ્વના ટોચના પાંચ બેટ્સમેન


150 ઇનિંગ્સ - હાશિમ અમલા - દક્ષિણ આફ્રિકા
159 ઇનિંગ્સ - કેન વિલિયમસન - ન્યુઝીલેન્ડ
161 ઇનિંગ્સ - વિરાટ કોહલી - ભારત
166 ઇનિંગ્સ - એબી ડી વિલિયર્સ - દક્ષિણ આફ્રિકા
174 ઇનિંગ્સ - સૌરવ ગાંગુલી - ભારત


ફાઇનલમાં કેન વિલિયમસન 34 રન બનાવીને આઉટ થયો હતો


ક્રિકેટ ચાહકોને ફાઈનલ મેચમાં કેન વિલિયમ્સન પાસેથી બીજી શાનદાર ઈનિંગની અપેક્ષા હતી. ત્રીજા નંબર પર બેટિંગ કરીને તે પણ સારી શરૂઆત કરવામાં સફળ રહ્યો હતો. પરંતુ તેને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યો નહીં. તેણે ટીમ માટે કુલ 49 બોલનો સામનો કર્યો. દરમિયાન, તે 69.39ની સ્ટ્રાઈક રેટથી 34 રન બનાવવામાં સફળ રહ્યો. આ દરમિયાન તેના બેટમાંથી ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો આવ્યો હતો. મેચ દરમિયાન વિપક્ષી ટીમના ઓલરાઉન્ડર સલમાન આગાએ તેને બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. 


બાબર આઝમે ઈતિહાસ રચ્યો


પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી બાબર આઝમે ઈતિહાસ રચ્યો છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રિકોણીય શ્રેણીની અંતિમ મેચ કરાચીમાં રમાઈ હતી. આ મેચમાં બાબર આઝમ 29 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ તેણે રનનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. બાબરે ટીમ ઈન્ડિયાના વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો છે. બાબર  આઝમ વનડેમાં સૌથી ઝડપી 6000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.