Womens IPL Bidders : પુરૂષ ખેલાડીઓની માફક જ મહિલાઓ માટે પણ આઈપીએલનો શરૂઆત કરવામાં આવી છે. ભારતમાં થનારી આ વુમન્સ આઈપીએલ માટે પાંચ ફ્રેંચાઈઝી બનાવવામાં આવી છે. તેમાં અમદાવાદની ક્રિકેટ ટીમ જાણીતા બ્રિઝનેસ હાઉસ અદાણી દ્વારા ખરીદવામાં આવી છે. 


મહિલા ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ બદલી દેવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે જણાવ્યું હતું કે, તેનું નામ વુમન્સ પ્રીમિયર લીગ રાખવામાં આવ્યું છે. આમાં કુલ 5 ટીમો રમશે. જેમાં અમદાવાદ, મુંબઈ, બેંગ્લોર, દિલ્હી અને લખનૌનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમોને ખરીદવા માટે ઘણી મોટી કંપનીઓએ દાવ લગાવ્યો હતો. અદાણી ગ્રુપે અમદાવાદની ટીમ ખરીદી લીધી છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બેંગ્લોરની ટીમ ખરીદી લીધી છે. કંપનીઓએ આ ટીમો માટે મોટી રકમ ચૂકવી છે.


 






પાંચ કંપનીઓ મહિલા પ્રીમિયર લીગની ટીમો ખરીદવામાં સફળ રહી હતી. અદાણી સ્પોર્ટ્સ લાઇન પ્રાઇવેટ લિમિટેડે અમદાવાદને રૂ. 1289 કરોડમાં ખરીદ્યું છે. જ્યારે ઈન્ડિયા વિન સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડે મુંબઈને 912.99 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે. મહિલા IPLની ત્રીજી ટીમ બેંગ્લોર છે. તેને રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ બેંગ્લોરે રૂ. 901 કરોડમાં ખરીધી છે. દિલ્હીને JSW GMR ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડે રૂ. 810 કરોડમાં ખરીદ્યું છે. કપરી ગ્લોબલ હોલ્ડિંગ્સે લખનૌની મહિલા ટીમને ખરીદી લીધી છે. તેણે 757 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. વિમેન્સ પ્રીમિયર લીગની પાંચ ટીમોની કુલ કિંમત 4669.99 કરોડ રૂપિયા છે.


વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં દરેક ટીમમાં કુલ 18 ખેલાડીઓ ભાગ લેશે. જેમાં 5 વિદેશી ખેલાડીઓ હશે. 4 વિદેશી ખેલાડીઓ ટેસ્ટ રમતા દેશના અને 1 ખેલાડી સહયોગી દેશના હશે. તે જ સમયે, 5 ટીમોમાં કુલ 22 મેચો રમાશે.


વિમેન્સ પ્રીમિયર લીગ માર્ચમાં રમાશે


ખેલાડીઓની હરાજી (મહિલા IPL હરાજી)માં ખેલાડીઓને ખરીદવા માટે ટીમો પાસે તેમના પર્સમાં 12 કરોડ રૂપિયા હશે. એવી સંભાવના છે કે પ્રથમ મહિલા IPL સિઝન 4 થી 26 માર્ચ 2023 દરમિયાન રમાશે. ઉપરાંત, મહિલા IPL મેચો મહારાષ્ટ્રના DY પાટિલ સ્ટેડિયમ અને બ્રેબોન સ્ટેડિયમમાં રમાશે.


Viacom18 એ ભારતમાં યોજાનારી પ્રથમ મહિલા IPLના મીડિયા અધિકારો ખરીદ્યા છે. આ માહિતી શેર કરતા BCCI સેક્રેટરીએ જણાવ્યું હતું કે, મહિલા ક્રિકેટ માટે આ એક મોટી વાત છે. ઉલ્લેખનીય છે કે, Viacom18 એ આ અધિકાર 951 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.


જય શાહે ટ્વીટ કર્યું હતું કે- વિમેન્સ IPLના મીડિયા અધિકારો જીતવા બદલ Viacom18ને અભિનંદન. તમે BCCI અને BCCI વુમનમાં જે વિશ્વાસ દર્શાવ્યો છે તેના માટે તમારો આભાર. તેમણે એમ પણ લખ્યું કે Viacom18 એ આ અધિકાર 951 કરોડમાં ખરીદ્યો છે. જેનો અર્થ છે કે મેચ દીઠ મૂલ્ય 7.09 કરોડ રૂપિયા છે. આ અધિકાર આગામી 5 વર્ષ 2023-2027 માટે છે. તેણે તેને મહિલા ક્રિકેટ માટે શાનદાર ગણાવ્યું.


આટલું જ નહીં, જય શાહે અન્ય એક ટ્વિટ પણ કર્યું, જેમાં તેણે ભારતમાં મહિલા ક્રિકેટની દિશામાં લેવાયેલું એક મોટું પગલું પે-ઇક્વિટીનો પણ ઉલ્લેખ કર્યો. તેણે લખ્યું કે, પે ઈક્વિટી બાદ મહિલા ક્રિકેટના સશક્તિકરણ તરફ આ બીજું મોટું પગલું છે, જે તમામ ઉંમરની મહિલાઓની ભાગીદારીને સુનિશ્ચિત કરશે. મહિલા ક્રિકેટ માટે ખરેખર એક નવી સવાર.