IND vs ENG Women: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઈંગ્લેન્ડ મહિલા ક્રિકેટ વચ્ચે આજથી ત્રણ મેચની વન ડે સીરિઝનો આરંભ થયો છે. એક માત્ર ટેસ્ટ ડ્રો થયા બાદ ટીમ ઈન્ડિયાનો જુસ્સો બુલંદ છે. તેની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં ધમાકેદાર પ્રદર્શન કરનારી શેફાલી વર્માએ વન ડે ક્રિકેટમાં પણ ડેબ્યૂ કર્યું છે. આ સાથે તેણે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.  


શેફાલી વર્મા ભારતની પહેલી ક્રિકેટર બની છે, જેણે પોતાનું મતદાર કાર્ડ બનાવતા પહેલા જ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં (વનડે, ટેસ્ટ, ટી 20) દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. શફાલી વર્માએ રવિવારે ઇંગ્લેન્ડ સામે વનડે ડેબ્યૂમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે તે પહેલી વનડે મેચ રમવા આવી ત્યારે તેની ઉંમર 17 વર્ષ અને 150 દિવસ હતી. ભારતીય મહિલાઓ અને ઇંગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચેની આ મેચ બ્રિસ્ટલમાં રમાઈ રહી છે.


પ્રથમ વન ડેમાં કેવો રહ્યો શેફાલીનો દેખાવ


આ વન ડે મેચમાં ભારતની મહિલા ટીમ પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 201 રન બનાવ્યા હતા. શેફાલી વર્માએ આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ વન ડે મેચમાં 14 બોલમાં 15 રન બનાવ્યા હતા. જેમાં તેણે ત્રણ ફોર ફટકારી હતી. ભારત તરફથી કેપ્ટન મિતાલી રાજે 72 રન બનાવ્યા હતા.






પ્રથમ આંતરરાષ્ટ્રીય ટી-20 રમી ત્યારે ઉંમર હતી માત્ર 15 વર્ષ
શેફાલી વર્માએ પહેલી ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ 2019માં રમી હતી, ત્યારે તે 15 વર્ષની હતી. શેફાલી 18 વર્ષની પણ નથી અને 22 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તે વિસ્ફોટક પ્રકારે બેટિંગ કરે છે અને મોટા ભાગે વીરેન્દ્ર સહેવાગની યાદ અપાવે છે.  


ટેસ્ટ ડેબ્યૂમાં કરી ધમાકેદાર બેટિંગ


શેફાલી વર્માએ થોડા દિવસ પહેલા જ તેની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમી હતી. તેણે ઇંગ્લેન્ડ સામેની આ મેચની બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી અને તે ભારત માટે ટોચનો સ્કોરર રહ્યો હતો.