Women's ODI World Cup 2025: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ICC મહિલા વન-ડે વર્લ્ડ કપ 2025 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. મિશેલ સ્ટાર્કની પત્ની એલિસા હેલીને કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન ટીમની પ્રથમ મેચ 1 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે છે. ઓસ્ટ્રેલિયા આ ટુર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે પ્રવેશ કરશે, જેણે ગત વર્લ્ડકપની (2022) ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમ ખૂબ જ મજબૂત દેખાય છે. તેમની ઘણી ખેલાડીઓ ભારતમાં મહિલા પ્રીમિયર લીગમાં રમે છે, જેનો તેમને વર્લ્ડ કપ મેચોમાં પણ ફાયદો થઈ શકે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પસંદગીકાર શોન ફેગલરે સ્વીકાર્યું કે ભારતમાં રમવું એક મોટો પડકાર હશે પરંતુ તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો કે તેમની ટીમ આ પડકારનો સામનો કરશે. તેમણે કહ્યું, "છેલ્લા કેટલાક સમયમાં આ ટીમમાં સામેલ ખેલાડીઓને મહિલા પ્રીમિયર લીગમાં રમવાનો જે અનુભવ મળ્યો છે તેનાથી ભારતની મુશ્કેલ પરિસ્થિતિઓને સમજવામાં સરળતા રહેશે."
2022ની ચેમ્પિયન ટીમની 10 ખેલાડીઓ ટીમમાં સામેલ
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે 2022નો વર્લ્ડ કપ ટાઇટલ જીત્યો હતો. અગાઉ ટીમે 6 વખત ટાઇટલ જીત્યું હતું, એટલે કે, 2025માં તે તેના 8મા ટાઇટલ માટે રમશે. 2022માં ટાઇટલ જીતનાર ટીમના 10 ખેલાડીઓ પણ આ ઓસ્ટ્રેલિયન ટીમમાં શામેલ છે. તેમાં એલિસા હેલી, બેથ મૂની, એલિસ પેરી જેવા મેચ વિજેતાઓનો સમાવેશ થાય છે.
મહિલા વર્લ્ડ કપ 2025 માટે ઓસ્ટ્રેલિયા ટીમમાં શામેલ ખેલાડીઓ
એલિસા હેલી (કેપ્ટન), ડાર્સી બ્રાઉન, એશ ગાર્ડનર, કિમ ગર્થ, ગ્રેસ હેરિસ, અલાના કિંગ, સોફી મોલિનક્સ, બેથ મૂની, એલિસ પેરી, ફોબી લિચફિલ્ડ, તાહલિયા મેકગ્રા, જ્યોર્જિયા વોલ, જ્યોર્જિયા વોરહૈમ, મેગન શટ, એનાબેલ સધરલેન્ડ.
ઓસ્ટ્રેલિયા ટીમની મેચ
1 ઓક્ટોબર- વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ (ઇન્દોર)
4 ઓક્ટોબર- વિરુદ્ધ શ્રીલંકા (કોલંબો)
8 ઓક્ટોબર- વિરુદ્ધ પાકિસ્તાન (કોલંબો)
12 ઓક્ટોબર- વિરુદ્ધ ભારત (વિશાખાપટ્ટનમ)
16 ઓક્ટોબર- વિરુદ્ધ બાંગ્લાદેશ (વિશાખાપટ્ટનમ)
22 ઓક્ટોબર- વિરુદ્ધ ઇંગ્લેન્ડ (ઇન્દોર)
25 ઓક્ટોબર- વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (ઇન્દોર)
ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમે કેટલા વન-ડે વર્લ્ડ કપ જીત્યા છે?
ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમે કુલ 7 વન-ડે વર્લ્ડ કપ જીત્યા છે. ટીમે 1978માં ફાઇનલ રમ્યા વિના પોઈન્ટના આધારે પોતાનો પહેલો ખિતાબ જીત્યો હતો. આ પછી ટીમે 1982, 1988, 1997, 2005, 2013 અને 2022માં ખિતાબ જીત્યો છે.