Harmanpreet Kaur West Indies Women vs India Women:  મહિલા ક્રિકેટમાં ભારત, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 ત્રિકોણીય શ્રેણી રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ છેલ્લી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટથી હરાવ્યું છે. હવે ફાઇનલ મેચ 2 ફેબ્રુઆરીએ રમાશે. ફાઇનલમાં ભારતનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. આ મેચ ઈસ્ટ લંડનમાં રમાશે. વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં ભારત તરફથી હરમનપ્રીત અને જેમિમા રોડ્રિગ્ઝે શાનદાર ઇનિંગ્સ રમી હતી. જ્યારે દીપ્તિ શર્માએ 3 વિકેટ ઝડપી હતી.






પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે ભારતને 95 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે 13.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. સ્મૃતિ મંધાના અને જેમિમા રોડ્રિગ્ઝ ભારત માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. મંધાના માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જ્યારે જેમિમાએ 39 બોલમાં અણનમ 42 રન બનાવ્યા હતા. તેણે 5 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. હરલીન દેઓલ 13 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. હરમનપ્રીત કૌરે કેપ્ટન ઇનિંગ રમી હતી. તેણે 23 બોલમાં અણનમ 32 રન ફટકાર્યા હતા. તેણે 4 ચોગ્ગા પણ ફટકાર્યા હતા.






વેસ્ટ ઈન્ડિઝ તરફથી હેલે મેથ્યુઝે 34 રનનું યોગદાન આપ્યું હતું. જેમ્સે અણનમ 21 રનનું યોગદાન આપ્યું હતું. આ દરમિયાન દીપ્તિએ ટીમ ઈન્ડિયા માટે 3 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 11 રન આપીને 2 મેડન ઓવર પણ લીધી હતી. પૂજા વસ્ત્રાકરે 4 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ લીધી હતી. ગાયકવાડને પણ એક સફળતા મળી હતી.


આ ત્રિકોણીય શ્રેણીમાં ભારતની સફર શાનદાર રહી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 27 રને હરાવ્યું હતું. આ પછી બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો 56 રને પરાજય થયો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી મેચ રમાઇ શકી નહોતી. આ પછી ભારતે ફરીથી વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતુ હવે તે 2 ફેબ્રુઆરીએ ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે મેચ રમશે.