ICC Women's World Cup 2022: મહિલા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં શનિવારે ભારતે બે સદી ફટકારી છે. આ મેચમાં સ્મૃતિ મંધાના સિવાય હરમનપ્રીત કૌરે પણ સદી ફટકારી છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ સામેની આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 317 રન બનાવ્યા હતા.





આ મેચમાં પણ શેફાલી વર્માને તક અપાઇ નહોતી. પરંતુ સ્મૃતિ મંધાના અને યાસ્તિકા ભાટિયાની જોડીએ સારી શરૂઆત કરી હતી. બંને વચ્ચે 49 રનની ભાગીદારી થઈ હતી, જે બાદ સ્મૃતિ મંધાનાએ એક છેડો જાળવી રાખ્યો હતો.







મંધાનાએ શાનદાર બેટિંગ કરતા119 બોલમાં 123 રન ફટકાર્યા હતા. સ્મૃતિએ પોતાની ઇનિંગમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 100થી ઉપર રહ્યો હતો. સ્મૃતિ આ વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. ત્રીજી મેચમાં આ તેની પ્રથમ સદી છે. સ્મૃતિ મંધાનાની વનડે કારકિર્દીની આ પાંચમી સદી છે.


હરમનપ્રીત કૌરે  પણ ફટકારી સદી


બીજી તરફ વાઇસ કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ સારુ પ્રદર્શન કર્યું હતું. તેણે સદી ફટકારી આલોચકોની બોલતી બંધ કરી દીધી હતી. હરમનપ્રીતે પોતાની ઇનિંગમાં 109 રન બનાવ્યા હતા અને આ દરમિયાન તેણે 10 ફોર, 2 સિક્સર ફટકારી હતી. હરમનપ્રીત કૌરની કારકિર્દીની આ ચોથી સદી છે.


આ સાથે હરમનપ્રીત કૌર વર્તમાન વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનારી ખેલાડી પણ બની ગઈ છે. તેણે અત્યાર સુધી 3 મેચમાં 185 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે.