Women T20 World Cup Record: મહિલા T20 વર્લ્ડકપ 2023ની 19મી મેચ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડે મહિલા T20 વર્લ્ડકપમાં ઈતિહાસ રચ્યો હતો. ઈંગ્લેન્ડે ટૂર્નામેન્ટનો સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 213 રન બનાવ્યા હતો.






ઈંગ્લેન્ડ 200નો આંકડો પાર કરનારી પ્રથમ ટીમ બની મહિલા ટી20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ 200નો આંકડો પાર કરનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ પહેલા મહિલા T20 વર્લ્ડકપમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના નામે હતો. 2020 વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાએ થાઈલેન્ડ સામે ત્રણ વિકેટ ગુમાવી 195 રન બનાવ્યા હતા. પાકિસ્તાન સામે રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડે પાંચ વિકેટ ગુમાવી 213 રન બનાવ્યા હતા. જેમાં ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન નેટ સાયવર બ્રન્ટે 40 બોલમાં 81 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં કુલ 12 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 202.50 હતો.






આ સિવાય ઓપનર ડેનિયલ વ્યાટે 33 બોલમાં 59 રન અને એમી જોન્સે 31 બોલમાં 47 રન બનાવ્યા હતા. આ સાથે જ એમી જોન્સે પોતાની ઇનિંગમાં 5 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. તેણે 151.61ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા.






ઈંગ્લેન્ડે મોટી જીત નોંધાવી પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 214 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રનનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 99 રન જ બનાવી શકી હતી. આ રીતે ઈંગ્લેન્ડે આ મેચમાં 114 રનથી મોટી જીત મેળવી હતી. વર્લ્ડ કપની લીગ મેચોમાં ઈંગ્લેન્ડ એકપણ મેચ હાર્યું નથી. ટીમ ચારેય મેચ જીતી હતી. જેમાં ઈંગ્લિશ ટીમે વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે, આયરલેન્ડને 4 વિકેટે, ભારતને 11 રનથી અને પાકિસ્તાનને 114 રનથી હરાવ્યું હતું.