નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડકપ જીતી લીધો છે. મહિલા વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ઇગ્લેન્ડને હરાવી ચેમ્પિયન બની હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચ  71 રનથી જીતી લીધી હતી. વિકેટકીપર બેટ્સમેન એલિસા હિલી પ્લેયર ઓફ ધ મેચ રહી હતી. તેણે 138 બોલમાં 170 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. નોંધનીય છે કે એલિસા ઓસ્ટ્રેલિયન પુરુષ ક્રિકેટ ટીમના ખેલાડી  મિચેલ સ્ટાર્કની વાઇફ છે.






ઓસ્ટ્રેલિયાએ બનાવ્યા હતા 356 રન


મેચમાં ઇગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. ઇગ્લેન્ડની કેપ્ટનનો આ નિર્ણય ખોટો સાબિક થયો અને ઓસ્ટ્રેલિયાના ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 160 રનની ભાગીદારી કરી હતી. રચેલ હાયનસ 68 રન બનાવી આઉટ થઇ હતી. ત્યારબાદ ઓપનર એલિસા હિલી (170)એ બેથ મુની (62)સાથે 156 રનની ભાગીદારી કરી હતી. એલિસા 170 રન બનાવી આઉટ થઇ હતી. એલિસા  આઉટ થઇ ત્યારે ઓસ્ટ્રેલિયાના 316 રન બની ચૂક્યા હતા. ત્યારબાદ મધ્યમક્રમના બેટ્સમેનો સ્કોર 350ને પાર પહોંચાડ્યો હતો. આ રીતે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 356 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.


357 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઇગ્લેન્ડની ટીમે સારી લડત આપી હતી પરંતુ તે જીતી શકી નહીં. ટીમે પ્રથમ બે વિકેટ માત્ર 38 રનમાં ગુમાવી દીધી હતી. ત્રીજી વિકેટ માટે કેપ્ટન હીથર નાઈટ (26) સાથે નેટ શિવર (148)એ 48 રન જોડ્યા હતા. કેપ્ટન હીથર નાઈટ 26 રને આઉટ થઇ હતી. અહીંથી નેટ શિવરે એક છેડો જાળવી રાખ્યો હતો અને બીજા છેડેથી વિકેટો પડતી રહી હતી. નેટ શિવર 148 રને અણનમ રહી હતી. ઇંગ્લેન્ડની ટીમ 43.4 ઓવરમાં 285 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ આ મેચ 71 રનથી હારી ગયું હતું.