વિલી માત્ર 33 વર્ષનો છે. ડેવિડ વિલી વર્લ્ડકપ બાદ ક્રિકેટ રમશે નહીં.
33 વર્ષીય ખેલાડીએ સોશિયલ મીડિયા દ્વારા પોતાની નિવૃત્તિની જાણકારી આપી અને આ નિર્ણયને ખૂબ જ મુશ્કેલ ગણાવ્યો હતો. વિલીએ લખ્યું હતું કે હું ક્યારેય ઈચ્છતો ન હતો કે આ દિવસ આવે. નાનપણથી જ મેં ઈંગ્લેન્ડ માટે ક્રિકેટ રમવાનું માત્ર સપનું જ જોયું છે, ઘણું વિચાર્યા પછી મને અફસોસ સાથે લાગે છે કે વર્લ્ડ કપના અંતે મારા માટે તમામ પ્રકારના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો સમય આવી ગયો છે. હું વિશ્વના કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે આવી અવિશ્વસનીય વન-ડે અને ટી-20 ટીમનો ભાગ બનવા માટે ખૂબ જ ભાગ્યશાળી રહ્યો છું. મેં કેટલીક ખાસ યાદો અને અદભૂત મિત્રો બનાવ્યા છે અને કેટલાક ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થયો છું.
જો ઇંગ્લેન્ડની ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય નહીં થાય તો ડેવિડ વિલી પાસે માત્ર ત્રણ મેચ જ રહેશે. નિવૃત્તિ છતાં આ ખેલાડી બાકીની મેચોમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માંગે છે. તેણે કહ્યું કે તે ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ અને પાકિસ્તાન સામે ઈંગ્લેન્ડની અંતિમ ત્રણ ગ્રુપ મેચોમાં પોતાનું સર્વસ્વ આપી દેશે.
ડેવિડ વિલીએ 2015માં વન-ડે ફોર્મેટમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ડેવિડ વિલીએ ઈંગ્લેન્ડ માટે અત્યાર સુધી 70 વનડેમાં 94 વિકેટ અને 627 રન બનાવ્યા છે. T20I માં તેના નામે 51 વિકેટ અને 226 રન છે. આર્ચરનો સમાવેશ કરવા માટે છેલ્લી ઘડીએ વિલીને 2019 વર્લ્ડ કપ માટેની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો પરંતુ ખેલાડીએ હાર ન માની અને 2023 વર્લ્ડ કપમાં તેનું સપનું પૂરું કર્યું. વર્તમાન ટુર્નામેન્ટમાં તેણે ત્રણ મેચમાં પાંચ વિકેટ લીધી છે.