World Cup 2023 Points Table Update: ઈંગ્લેન્ડને આખરે ODI વર્લ્ડ કપ 2023માં બીજી જીત મળી છે. ટુર્નામેન્ટની 40મી લીગ મેચમાં ઇંગ્લિશ ટીમે નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું હતું. આ હાર બાદ નેધરલેન્ડ પણ સત્તાવાર રીતે વર્લ્ડ કપ 2023 ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું. આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા નંબરે પહોંચેલ ઈંગ્લેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની રેસમાં પોતાની જાતને જાળવી રાખી છે. હારનાર નેધરલેન્ડ ટેબલમાં છેલ્લા સ્થાને પહોંચી ગયું છે.
હજુ ચોથા સેમી ફાઇનલિસ્ટની રાહ જોવાઇ રહી છે
ઈંગ્લેન્ડ પહેલા જ બહાર થઈ ગયું હતું અને ટીમે નેધરલેન્ડને હરાવીને ટૂર્નામેન્ટમાંથી પણ બહાર કરી દીધું છે. આવી સ્થિતિમાં ટુર્નામેન્ટ હજુ ચોથા સેમી ફાઇનલિસ્ટની રાહ જોઇ રહી છે. અત્યાર સુધી ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે. યજમાન ભારત નંબર વન, આફ્રિકા બીજા અને ઓસ્ટ્રેલિયા ત્રીજા ક્રમે ક્વોલિફાય થયું છે. ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચોથા સ્થાન માટે લડાઈ ચાલી રહી છે.
ન્યુઝીલેન્ડ 8 પોઈન્ટ અને +0.398ના નેટ રનરેટ સાથે ચોથા સ્થાને છે. આ પછી, પાકિસ્તાન 8 પોઈન્ટ અને નેટ રન રેટ +0.036 સાથે પાંચમા સ્થાને છે અને અફઘાનિસ્તાન 8 પોઈન્ટ અને નેટ રન રેટ નેગેટિવ -0.338 સાથે છઠ્ઠા સ્થાને છે. ન્યૂઝીલેન્ડની છેલ્લી મેચ શ્રીલંકા સામે, પાકિસ્તાનની છેલ્લી મેચ ઈંગ્લેન્ડ સામે અને અફઘાનિસ્તાનની છેલ્લી મેચ દક્ષિણ આફ્રિકા સામે હશે.
આવી જ હાલત છે એલિમિનેટ ટીમોની
બહાર થઈ ગયેલું ઈંગ્લેન્ડ 4 પોઈન્ટ સાથે સાતમા સ્થાને, બાંગ્લાદેશ 4 પોઈન્ટ સાથે આઠમા સ્થાને, શ્રીલંકા 4 પોઈન્ટ સાથે નવમા અને નેધરલેન્ડ 4 પોઈન્ટ સાથે દસમા સ્થાને છે. અત્યાર સુધીમાં કુલ 4 ટીમો સત્તાવાર રીતે બહાર થઈ ગઈ છે. હજુ બે ટીમો બહાર થવાની બાકી છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 40 લીગ મેચ રમાઈ છે.
નેધરલેન્ડની 160 રનથી હાર
વર્લ્ડ કપની 40મી મેચમાં ઈંગ્લેન્ડે નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું હતું. પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડે 50 ઓવરમાં નવ વિકેટે 339 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડની ટીમ 37.2 ઓવરમાં 179 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ હાર સાથે તે વર્લ્ડ કપમાંથી બહાર થનારી ચોથી ટીમ બની ગઈ છે.