ICC T20 World Cup-2024  : એશિયા કપના સ્થળને લઈને BCCI અને PCB વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હજી આ વિવાદ ઉકેલાયો નથી ત્યાં વર્લ્ડકપને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. ICC 2024માં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે યોજાનાર T20 વર્લ્ડકપની તૈયારીઓને લઈને ચિંતિત છે અને તે યજમાનમાં ફેરફાર પણ કરી શકે છે. ટૂર્નામેન્ટમાં માત્ર 12 મહિના બાકી છે અને અમેરિકામાં હજુ એક પણ સ્ટેડિયમ તૈયાર નથી થયું. જો વેન્યુમાં ફેરફાર થશે તો વર્લ્ડકપમાંથી અમેરિકાનું પત્તું પણ કપાઈ જશે. યજમાન હોવાને કારણે તેને ICC ટુર્નામેન્ટમાં રમવાની તક મળી હતી.


ન્યૂઝ18 ક્રિકેટ નેક્સ્ટના સમાચાર અનુસાર, ICC ઇંગ્લેન્ડને T20 વર્લ્ડકપની યજમાની માટે વિનંતી કરી શકે છે. નવેમ્બર 2021માં ICC દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં, ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડને સંયુક્ત રીતે 2030 વર્લ્ડકપની જવાબદારી સોંપવામાં આવી હતી. આ સ્થિતિમાં ઈંગ્લેન્ડ તરફથી 2024 અને 2030 વર્લ્ડકપની અદલાબદલી માટે વિનંતી કરવામાં આવશે. આ સ્થિતિમાં અમેરિકાને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે પૂરતો સમય મળશે.


T20 વર્લ્ડકપ 2024ને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આ ટૂર્નામેન્ટના આયોજનની જવાબદારી બે મોટા દેશોને આપી હતી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) આ દેશો પાસેથી T20 વર્લ્ડકપ 2024ની યજમાની છીનવી શકે છે. આવી સ્થિતિમાં દેશની ટીમ પર ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે.


અમેરિકાને જાણે રસ જ ના હોય


આ બાબતની જાણકારી ધરાવતા એક સૂત્રએ જણાવ્યું હતું કે, અમેરિકામાં હાલની ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ પ્રોત્સાહક નથી. આ સ્થિતિમાં એવી સંભાવના છે કે, ICC 2024 અને 2030 ઇવેન્ટ માટે યજમાનોની અદલાબદલી કરી શકે છે. તેનું આયોજન જૂન-જુલાઈમાં થઈ શકે છે. ઈંગ્લેન્ડે ગયા વર્ષે ટી20 વર્લ્ડકપ જીત્યો હતો. તેણે બીજી વખત ટાઈટલ કબજે કર્યું.


યુએસ ક્રિકેટ બોર્ડ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, તમે ટૂર્નામેન્ટ ક્યાં યોજશો. આઈસીસીએ તાજેતરમાં જ મુલાકાત લીધી હતી, પરંતુ મુલાકાત લીધેલ સ્થળોના ધોરણો પ્રમાણે ખરુ ઉતરવું મુશ્કેલ છે. ICCના માત્ર એક જ સ્થળ માટે ઘણા કડક નિયમો છે. આ સ્થિતિમાં જો તેમાં કોઈ અડચણ આવે તો તે સમયસર પૂર્ણ થઈ શકતી નથી.