ICC ODI World Cup 2023, India vs Pakistan: ભારતમાં આ વર્ષના અંતમાં યોજાનાર ICC ODI વર્લ્ડકપનું શેડ્યૂલ 27 જૂને એટલે કે આવતી કાલે જાહેર કરવામાં આવશે. આ સાથે જ ગુજરાતીઓ અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓનો ક્રિકેટનો રોમાંચ બેવડાઈ જશે. વર્લ્ડકપનું શેડ્યૂલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં જેની વર્ષોથી આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તેવો હાઈવોલ્ટેજ ડ્રામા ખેલાઈ શકે છે. 


ભારતમાં આ વર્ષે જ રમાનારા વર્લ્ડકપના માથેથી લગભગ સંકટના વાદળો હટી ગયા છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમની રમવાને લઈને જે અવઢવ હતી તેનો લગભગ અંત આવ્યો હોવાનું લાગી રહ્યું છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ભારત સાથે અમદાવાદના મેદાન પર મેચ રમવા માટે સંમતિ આપી દીધી છે. આ ઉપરાંત પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે બેંગ્લોર અને ચેન્નઈના મેદાન પર પોતાની મેચ રમશે. BCCI 27 જૂને મુંબઈમાં 11.30 વાગ્યે ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરશે.


ICC અને BCCIએ 2 મેચનું સ્થળ બદલવાની પાકિસ્તાનની માંગને ફગાવી દીધી હતી. આગામી ODI વર્લ્ડની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે રમાશે. 27 જૂનથી આ મેગા ટૂર્નામેન્ટ માટે બરાબર 100 દિવસનું કાઉન્ટડાઉન શરૂ થશે. બીસીસીઆઈના એક અધિકારીએ ઈન્સાઈડ સ્પોર્ટને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, શેડ્યૂલ 27 જૂને જાહેર કરવામાં આવશે. આ અંગે આઈસીસી ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે. પાકિસ્તાને ડ્રાફ્ટ શેડ્યૂલ મુજબ પોતાની સંમતિ આપી દીધી છે.


અમદાવાદમાં જામશે હાઈવોલ્ટેજ ડ્રામા


પાકિસ્તાને અગાઉ અમદાવાદના મેદાનમાં ભારત સામેની મેચ રમવાનો ઇનકાર કર્યો હતો. તેણે આ મેચને ચેન્નઈ, બેંગલુરુ અથવા કોલકાતામાં શિફ્ટ કરવાની માંગ કરી હતી. પાકિસ્તાને મેચનું સ્થળ બદલવા પાછળ રાજકીય કારણો દર્શાવ્યા હતા.


આ મેચ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના મેદાન પર રમાશે. પાકિસ્તાને મેચનું સ્થળ બદલવાની માંગ કરી હતી, પરંતુ અમે તેમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ ટૂર્નામેન્ટની મહત્વપૂર્ણ મેચોમાંથી એક છે અને ICC તેને સંપૂર્ણ રીતે મહત્વપૂર્ણ માની રહી છે.


આ ટુર્નામેન્ટની પ્રથમ અને અંતિમ મેચ એટલે કે વર્લ્ડકપની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મેગા ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે જ્યારે ટાઈટલ એટલે કે ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાઈ શકે છે.


https://t.me/abpasmitaofficial