નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં ગમે ત્યાં ગમે તે સમયે રેકોર્ડ બનતા હોય છે. ક્રિકેટ અનિશ્ચિતતાની રમત જેથી કયો ક્રિકેટર ક્યારે કયો રેકોર્ડ બનાવી દે છે તે કોઇને ખબર નથી પડતી. આવો જ એક અનોખો રેકોર્ડ નેપાલની મહિલા ક્રિકેટરે બનાવ્યો છે, તેને પોતાની ડેબ્યૂ મેચમાં એકપણ રન આપ્યા વિના હરિફ ટીમના 6 બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા હતા. આ રેકોર્ડ ટી20 મેચમાં નોંધાયો છે.

નેપાલ અને માલદીવ વચ્ચે 13મી દક્ષિણ એશિયા (દક્ષેસ) ટૂર્નામેન્ટમાં મહિલા ક્રિકેટ સીરીઝ રમાઇ રહી હતી. આ દરમિયાન પોતાની ડેબ્યૂ મેચ રમવા મેદાનમાં ઉતરેલી નેપાલની ક્રિકેટર અંજલિ ચંદે ખાસ રેકોર્ડ બનાવ્યા.


અંજલિ ચંદે હેરતઅંગેજ પ્રદર્શન કરતાં માલદીવ સામે 13 બૉલમાં એકપણ રન આપ્યા વિના 6 વિકેટ ઝડપી, અંજલિના આ પ્રદર્શનના કારણે નેપાલે માલદીવને માત્ર 16 રનોમાં જ ઓલઆઉટ કરી દીધી હતી.


મેચમાં માલદીવની મહિલા ટીમ ટી20માં 10.1 ઓવર રમીને માત્ર 16 રન જ બનાવી શકી. મેચમાં અંજલિ ચંદે 2.1 ઓવરમાં 2 મેડન નાંખીને 6 વિકેટ ઝડપી હતી, આમાં હેટ્રિક પણ સામેલ છે. આ મહિલા ટી20માં વર્લ્ડ રેકોર્ડ છે. જવાબમાં નેપાલની ટીમ માત્ર 5 બૉલ રમીને 17 રન બનાવીને વિજયી થઇ હતી. નેપાલ મહિલા ટીમ મેચ 10 વિકેટથી જીતી લીધી હતી.