IND Vs NZ WTC 2021 Final: ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે આઈસીસી વલ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાઈ રહી છે. મેચમાં ન્યૂઝિલેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. ભારતીય ટીમના ખેલાડીઓ આજે મેચમાં હાથ પર કાળી પટ્ટી બાંધીને ઉતર્યા છે.


ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે મિલ્ખાસિંહના સન્માનમાં આજે ભારતીય ટીમ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યુ છે. કોરોનાથી સંક્રમિત મિલ્ખાસિંહનું નિધન થયું છે. પોતાના જીવનકાળમાં અનેક મેડલો પ્રાપ્ત કરીને દેશનું નામ રોશન કરનાર મિલ્ખા સિંહ 20 મે ના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા. મિલ્ખાસિંહની ચંદીગઢના PGIMERમાં સારવાર ચાલી રહી હતી. પાંચ દિવસ અગાઉ તેમના પત્ની નિર્મલ કૌરનું પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશંસના કારણે નિધન થયુ હતુ.




20 નવેમ્બર 1929ના રોજ ગોવિંદપુરા(પાકિસ્તાન)ના એક શીખ પરિવારમાં મિલ્ખા સિંહનો જન્મ થયો હતો. ભારત આવીને સેનામાં જોડાયા પછી ક્રોસ કન્ટ્રી દોડમાં સામેલ થયા પછી મિલ્ખા સિંહ 400થી વધુ સૈનિકોમાં છઠ્ઠા નંબરે આવ્યા હતા.મિલ્ખાસિંહ ટ્રેક એંડ ફિલ્ડ સ્પ્રિન્ટર રહ્યા છે. પોતાની કારકિર્દીમાં તેમણે અનેક રેકોર્ડ સ્થાપ્યા. અને ચંદ્રકો જીત્યા. મેલબર્નમાં 1956ના ઓલિમ્પિકમાં ભારતમાં પ્રતિનિધિત્વ કર્યુ હતુ. રોમમાં 1960ના ઓલિમ્પિક અને ટોક્યોમાં 1964માં પણ મિલ્ખાસિંહે શાનદાર પ્રદર્શનની સાથે દાયકો સુધી દેશના સૌથી મહાન ઓલિમ્પિયન તરીકે નામના મેળવી હતી.


કોણે આપ્યું ‘ફ્લાઇંગ શીખ’નું બિરુદ
મિલ્ખા સિંહ પાકિસ્તાનમાં આયોજિત એક દોડમાં સામેલ થવા ગયા હતા. એમાં તેમણે શાનદાર દેખાવ કર્યો. તેમના પ્રદર્શનને જોઈને પાકિસ્તાનના જનરલ અયુબ ખાને તેમને ‘ધ ફ્લાઇંગ શીખ’ નામ આપ્યું. 1960ના રોજ રોમમાં આયોજિત સમર ઓલિમ્પિકમાં મિલ્ખા સિંહ પાસેથી અનેક આશાઓ હતી. 400 મીટરની રેસમાં તેઓ 200 મીટર સુધી સૌથી આગળ હતા, પણ એના પછી તેમણે ઝડપ ઓછી કરી દીધી. એમાં તેઓ રેસમાં પાછળ રહ્યા અને ચોથા ક્રમે આવ્યા હતા. 1964માં તેમણે એશિયન રમતોત્સવમાં 400 મીટર અને 4x400 રિલેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.


મોદીએ પણ વ્યક્ત કર્યો શોક


મિલ્ખાસિંહના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહે સહિત નેતાઓ, અભિનેતાઓએ ટ્વિટરના માધ્યમથી શોક વ્યક્ત કરીને સ્વર્ગસ્થ મિલ્ખાસિંહને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.


મિલ્ખાસિંહ અને તેના પત્ની નિર્મલ કૌર 20 મેના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા. 24 મેના રોજ બન્નેને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 30મેના રોજ પરિવારના લોકોના આગ્રહથી તેમને ડિસ્ચાર્જ આપીને થોડા દિવસ અગાઉ જ ઘરે લાવવામાં આવ્યા હતા. અને ઘરે જ સારવાર ચાલી રહી હતી. તેના ઓક્સિજન લેવલ ઘટવાથી ત્રણ જુનના રોજ ફરીથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  પ્રધાનમંત્રી મોદીએ પણ ચાર જુને મિલ્ખાસિંહ સાથે ફોન પર વાત કરી હતીને તેમના ખબર અંતર પૂછ્યા હતા.