India vs West Indies, WTC Points Table 2023-25: ટીમ ઈન્ડિયાએ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી 2 મેચની ટેસ્ટ શ્રેણી 1-0થી જીતી લીધી છે. બીજી ટેસ્ટનો છેલ્લો દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો અને મેચ ડ્રો રહી હતી. શ્રેણીની પ્રથમ ટેસ્ટ ભારતીય ટીમે એક ઇનિંગ્સ અને 141 રને જીતી લીધી હતી. બીજી ટેસ્ટમાં પણ ટીમ ઈન્ડિયાની પકડ ઘણી મજબૂત હતી અને તેને અંતિમ દિવસે જીતવા માટે માત્ર 8 વધુ વિકેટ લેવાની હતી, પરંતુ વરસાદે તેની આશા પર પાણી ફેરવી દીધું હતું. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023-265 પોઈન્ટ ટેબલમાં પણ આ ડ્રો ટેસ્ટ મેચને કારણે ભારતીય ટીમને નુકસાન વેઠવું પડ્યું છે.






ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની નવી સીઝનની શાનદાર જીત સાથે શરૂઆત કરી અને સીધું પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ભારતીય ટીમના 12 પોઈન્ટ હતા, પરંતુ બીજી ટેસ્ટ ડ્રો થવાના કારણે તે માત્ર 4 પોઈન્ટ મેળવી શકી હતી અને 2 મેચ બાદ ટીમ ઈન્ડિયાના 16 પોઈન્ટ થઈ ગયા છે. આવી સ્થિતિમાં ટીમના માર્ક્સની ટકાવારી 100 થી ઘટીને 66.67 ટકા પર આવી ગઈ, જેના કારણે તેને પ્રથમ સ્થાન ગુમાવવું પડ્યું અને બીજા નંબર પર પહોંચી ગઈ છે.


ભારતીય ટીમ બીજા નંબર પર પહોંચવાની સાથે હાલમાં પાકિસ્તાનની ટીમ WTC 2023-25ના પોઈન્ટ ટેબલમાં 100 ટકા માર્ક્સ સાથે પ્રથમ સ્થાને છે. જેમાં તેણે શ્રીલંકા સામેની 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 4 વિકેટથી જીતી હતી.


ઓસ્ટ્રેલિયા ત્રીજા અને ઈંગ્લેન્ડ ચોથા ક્રમે છે


ઓસ્ટ્રેલિયા WTC ટેબલમાં ત્રીજા નંબરે છે જેણે અત્યાર સુધી 4 માંથી 2 ટેસ્ટ જીતી છે અને તેના 54.17 ટકા પોઈન્ટ છે. ત્યારબાદ 29.17 ટકા પોઈન્ટ ધરાવતી ઈંગ્લિશ ટીમનો નંબર આવે છે. ભારત સામેની મેચ ડ્રો થવાને કારણે વેસ્ટ ઈન્ડિઝને ચાર પોઈન્ટ મળ્યા છે અને તે 16.67 ટકા પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં હજુ સુધી એકપણ મેચ રમી નથી.


વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રીજી સીઝન 2023 થી 2025 સુધી ચાલશે. આ દરમિયાન ટીમને ટેસ્ટ મેચ જીતવા પર 12 પોઈન્ટ, ડ્રો માટે 4 પોઈન્ટ અને ટાઈ માટે 6 પોઈન્ટ મળે છે. મેચ જીતવા માટે 100 ટકા, ટાઈ માટે 50 ટકા, ડ્રો માટે 33.33 ટકા અને હાર માટે શૂન્ય ટકા પોઇન્ટ ઉમેરવામાં આવશે. બે મેચની શ્રેણીમાં કુલ 24 પોઈન્ટ ઉપલબ્ધ થશે અને પાંચ મેચની શ્રેણીમાં 60 પોઈન્ટ ઉપલબ્ધ થશે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial