WPL 2024:  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનું નસીબ ચમક્યું છે. મેન્સ ક્રિકેટ ટીમ ફ્રેન્ચાઈઝી અત્યાર સુધી જે ન કરી શકી તે આરસીબીની મહિલા ટીમે કરી બતાવ્યું હતું.  સ્મૃતિ મંધાનાની કેપ્ટન્સીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવીને મહિલા આઇપીએલમાં પોતાનું પ્રથમ ટાઈટલ જીત્યું અને આ ખુશીમાં વિરાટ કોહલી પણ ટીમ સાથે જોડાયો હતો.  તાજેતરમાં જ ઈંગ્લેન્ડથી ભારત પરત ફરેલા વિરાટ કોહલીએ ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાના સાથે વીડિયો કોલ પર વાત કરી અને તેને અભિનંદન પાઠવ્યા હતા. વિરાટ કોહલી જ્યારે વાત કરી રહ્યો હતો ત્યારે સ્મૃતિ મંધાના ખુશ થઈ ગઈ હતી. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 18.3 ઓવરમાં 113 રન બનાવ્યા હતા. આરસીબીએ 19.3 ઓવરમાં બે વિકેટ ગુમાવીને સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આરસીબીનું આ પહેલું ટાઈટલ છે. બેંગ્લોરની પુરુષ ટીમ ક્યારેય IPL ટ્રોફી જીતી શકી નથી, પરંતુ WPLની બીજી સીઝનમાં મહિલા ટીમ વિજયી બની હતી.






વિરાટ કોહલીને હંમેશા ટ્રોફી ન જીતવાનો અફસોસ


વિરાટ કોહલી લાંબા સમય સુધી પુરૂષ ટીમનો કેપ્ટન હતો અને તેની કેપ્ટનશીપમાં ટીમ 2016માં ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ તે સમયે તેને ડેવિડ વોર્નરની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં વિરાટ કોહલીએ પણ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી અને હાલમાં ફાફ ડુ પ્લેસિસ ટીમના કેપ્ટન છે. જો કે તેમ છતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો સૌથી મોટો ચહેરો વિરાટ કોહલી છે.






આરસીબી ચેમ્પિયન બનતા ચાહકોમાં ખુશીનો માહોલ


RCB ગત સીઝનમાં પ્લેઓફમાં પણ પહોંચી શકી ન હતી પરંતુ આ વખતે ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપ હેઠળ ટીમે લીગ તબક્કાના પડકારોને પાર કર્યા હતા. તેણે ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી હરાવીને પ્રથમ વખત ટ્રોફી જીતવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. એલિસ પેરીએ ખાસ કરીને WPL 2024 સીઝન દરમિયાન ખૂબ સારી બેટિંગ કરી હતી. તેણે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન 347 રન કર્યા જે WPL સીઝન 2માં સૌથી વધુ હતા.