Women Premier League, WPL 2025 Auction: વિમેન્સ પ્રીમિયર લીગ (ડબલ્યૂપીએલ) 2025 સીઝન માટેની હરાજી સમાપ્ત થઈ ગઈ છે. આ હરાજી રવિવારે (15 ડિસેમ્બર) બેંગલુરુમાં થઈ હતી. આમાં 5 ટીમોએ મળીને કુલ 19 ખેલાડીઓને ખરીદ્યા, જેના પર કુલ 9.05 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
આ વખતે હરાજીમાં કુલ 120 ખેલાડીઓએ ભાગ લીધો હતો. 5 ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સ (MI), ગુજરાત જાયન્ટ્સ (GG), UP વોરિયર્સ (UPW), દિલ્હી કેપિટલ્સ (DC) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તેમના પર દાવ લગાવ્યા હતા.
સિમરન શેખ રહી સૌથી મોંઘી ખેલાડી, મળ્યા આટલા કરોડ
આ વખતે હરાજીમાં 4 ખેલાડીઓની બોલી 1 કરોડ રૂપિયાથી ઉપર ગઈ છે. 22 વર્ષની મિડલ ઓર્ડર બેટ્સમેન સિમરન શેખ WPL 2025ની હરાજીમાં સૌથી મોંઘી ખેલાડી હતી. ગુજરાતની ટીમે તેને 1.9 કરોડમાં ખરીદી હતી
સિમરન લેગ સ્પિન પણ કરે છે. તેના પછી બીજા નંબરની સૌથી મોંઘી વેસ્ટ ઈન્ડિઝની ડિઆન્ડ્રા ડોટિન હતી. ગુજરાતે પણ તેને 1.7 કરોડ રૂપિયામાં ખરીદી હતી. ડિઆન્ડ્રા ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે. આ યાદીમાં ત્રીજું નામ 16 વર્ષની વિકેટકીપર કમલિનીનું છે, જેને મુંબઈ ઈન્ડિયન્સે 1.6 કરોડ રૂપિયામાં ખરીદી હતી.
16 વર્ષની કમલિનીએ પણ હલચલ મચાવી દીધી હતી
કમલિનીએ રવિવારે જ મહિલા અંડર-19 એશિયા કપમાં શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પાકિસ્તાન સામે 29 બોલમાં અણનમ 44 રન બનાવ્યા હતા અને તેની ટીમે માત્ર 47 બોલમાં મેચ જીતી લીધી હતી. પ્રેમા રાવત આ હરાજીમાં કરોડપતિ બનનાર ચોથી અને છેલ્લી ખેલાડી છે. તેને બેંગલુરુ ફ્રેન્ચાઈઝીએ 1.2 કરોડ રૂપિયામાં ખરીદી હતી. બેટિંગ ઉપરાંત 23 વર્ષની બોલિંગ ઓલરાઉન્ડર પ્રેમા લેગ સ્પિનમાં પણ નિષ્ણાત છે.
પાંચ ફ્રેન્ચાઈઝીના પર્સમાં 15 કરોડ રૂપિયા હતા.
હરાજીમાં વધુમાં વધુ 19 ખેલાડીઓ જ વેચવાના હતા. તેમાંથી 5 સ્લોટ વિદેશી હતા. WPL હરાજીમાં 91 ભારતીય અને 29 વિદેશી ખેલાડીઓના નામ સામેલ હતા. વિદેશી ખેલાડીઓમાં 3 નામ સહયોગી દેશોના હતા.
8 અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ પણ હતા. આ હરાજી માટે ફ્રેન્ચાઈઝીનું કુલ બજેટ 15 કરોડ રૂપિયા હતું. આમાં ગુજરાત જાયન્ટ્સ પાસે સૌથી વધુ (4.40 કરોડ) અને દિલ્હી કેપિટલ્સ પાસે સૌથી ઓછી રકમ 2.50 કરોડ હતી.