ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર અને બેટ્સમેન રિદ્ધિમાન સાહાને થોડા દિવસો પહેલાં પત્રકારે ધમકી ભર્યા મેસેજ કર્યા હતા હવે રિદ્ધિમાન સાહાએ કહ્યું છે કે તેઓ એ પત્રકારના નામનો ખુલાસો નહી કરે. સાહાનું કહેવું છે કે, તેઓ કોઈનું કરિયર બરબાદ નથી કરવા ઈચ્છતો. ઉલ્લેખનીય છે કે, ક્રિકેટના ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓએ સાહાને એ પત્રકારનું નામ સાર્વજનિક કરવા માટે અનુરોધ કર્યો હતો. સોમવારે BCCIના કોષાધ્યક્ષ અરુણ ધૂમલનું પણ આ મામલે નિવેદન આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રિદ્ધિમાન સાહા સાથે થયેલી ઘટનાની પૂરી જાણકારી બોર્ડ મેળવશે અને બોર્ડ સચિવ જય શાહ રિદ્ધિમાન સાથે વાત કરશે. જો કે હજી સુધી BCCIએ રિદ્ધિમાન સાથે કોઈ વાતચીત નથી કરી.
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં સાહાએ જણાવ્યું કે, BCCIએ મારી સાથે આ મામલે કોઈ વાત નથી કરી. જો તેઓ મને તે પત્રકારનું નામ પુછશે તો હું કહીશ કે, "મારું લક્ષ્ય કોઈનું કરિયર બરબાદ કરવાનું નથી. એટલા માટે મેં મારા ટ્વિટમાં પણ નામનો ખુલાસો નથી કર્યો. આ મારા માતા-પિતાનું શિક્ષણ નથી. મારા ટ્વિટ કરવાનો હેતુ એ જણાવવાનો હતો કે મીડિયામાં કોઈ છે જે આવા પ્રકારનું કામ કરે છે"
સાહાએ એ પણ કહ્યું કે, તેમણે ટ્વિટ એટલા માટે કર્યું કેમકે તે નથી ઈચ્છતો કે ખિલાડી આવા પ્રકારની ચીજોનો સામનો કરે. સાહાએ કહ્યું કે, "હું એ સંદેશ આપવા માંગતો હતો કે જે પણ થયું એ ખોટું થયુ અને કોઈએ પણ આવું ફરીથી ના કરવું જોઈએ."
શું હતો મામલોઃ
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સીરિઝ બાદ એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે ટીમ મેનેજમેન્ટે રિદ્ધિમાન સાહાને આગળ મોકો ના આપવા માટે મન બનાવી લીધું હતું. એ બાદ સાહાએ રણજી ટીમમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. આ મુદ્દે એક પત્રકાર સાહાનું ઈન્ટરવ્યું કરવા ઈચ્છતો હતો. પત્રકારે સાહાને મેસેજ કર્યો અને કોલ પણ કર્યો હતો. પરંતુ સાહાએ આનો કોઈ જવાબ આપ્યો ન હતો. જે બાદ પત્રકારે વોટ્સઅપ પર સાહાને ધમકી આપી હતી.
રિદ્ધિમાન સાહાએ શનિવારે એક ટ્વિટ કરીને પોતાને પત્રકાર દ્વારા વોટ્સઅપ પર મળેલી ધમકીનો સ્ક્રિનશોટ શેર કર્યો હતો. આ બાદ આકાશ ચોપડા, હરભજન સિંહ, પૂર્વ કોચ રવિ શાસ્ત્રી સહિતના લોકો સાહાના સમર્થનમાં આવ્યા હતા.