સાઉથટેમ્પનઃ ભારત  અને ન્યૂઝિલેન્ડ (India vs New Zealand) વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની (ICC World Test Championship Final) ફાઈનલનો રોમાંચ વરસાદે બગાડી નાંખ્યો છે. આજે મેચનો ચોથો દિવસ છે, પરંતુ માત્ર દોઢ દિવસની જ રમત શક્ય બની છે. પ્રથમ દિવસ વરસાદે ધોઇ નાંખ્યો હતો. બીજા દિવસે ખરાબ પ્રકાશના (Bad Lights) કારણે મેચ નિર્ધારીત સમય કરતાં પહેલા અટકાવવી પડી હતી. મેચના બીજા દિવસે માત્ર 64.4 ઓવરની જ રમત શક્ય બની હતી.


અત્યાર સુધીમાં માત્ર ગઈકાલ એટલે કે ત્રીજા દિવસની રમતનો જ આખો દિવસ થયો છે. વરસાદના કારણે ચોથા દિવસની રમત પણ મુશ્કેલ લાગી રહી છે.  ફેન્સ આ મુકાબલાની આતુરતાથી રાહ જોતા હતા પરંતુ વરસાદે રોમાંચ ખરાબ કરી નાંખ્યો છે. સાઉથેમ્પ્ટનમાં હવામાનને જોતાં આઈસીસીએ રિઝર્વ ડે (23 જૂન) રાખ્યો છે. પરંતુ હાલની સ્થિતિ જોતા રિઝર્વ ડેમાં મેચ જવાની સંભાવના ઓછી છે.






ન્યૂઝિલેન્ડ ભારતથી હજુ 116 રન છે પાછળ


આજે મેચનો ચોથો દિવસ છે અને માત્ર એક ટીમની જ ઈનિંગ પૂરી થઈ શકી છે. ટીમ ઈન્ડિયાએ (Team India) પ્રથમ ઈનિંગમાં 217 બનાવ્યા છે. જ્યારે ન્યૂઝિલેન્ડની ટીમે ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં 2 વિકેટના નુકસાન પર 101 રન બનાવ્યા છે અને હજુ ટીમ ઈન્ડિયાથી 116 રન પાછળ છે.


ટીમ ઈન્ડિયા બીજી વખત સંયુક્ત રીતે બનશે વિજેતા ?


જો ચોથા દિવસની રમત પણ શક્ય નહીં બને તો મેચ ડ્રો (Draw) જવાની પૂરી સંભાવના છે. આ સ્થિતિમાં ભારત અને ન્યૂઝિલેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના સંયુક્ત વિજેતા જાહેર કરાશે. ટીમ ઈન્ડિયા આઈસીસી ટ્રોફી કોઈ સાથે શેર કરે તેવો આ બીજો મોકો હશે. 2002માં પણ આમ થઈ ચુક્યું છે. તે સમયે ભારત અને શ્રીલંકાને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.