World Test Championship Points Table 2023-25: હૈદરાબાદમાં ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ભારતને ડબલ ફટકો પડ્યો છે. પહેલા ટીમ ઈન્ડિયા પાંચ મેચોની શ્રેણીમાં 0-1થી પાછળ રહી ગઈ હતી. આ સિવાય તેમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ભારે નુકસાન થયું છે. હૈદરાબાદમાં રમાયેલી પાંચ મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને 28 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત લગભગ જીતી ચૂકેલી મેચ હારી ગયું હતું.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ત્રણ સ્થાનનું નુકસાન
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને આવી ગઈ છે. આ હાર પહેલા ટીમ ઈન્ડિયા બીજા સ્થાને હતી. એટલે કે એક હારના કારણે તેને ત્રણ સ્થાનનું ભારે નુકસાન થયું છે. પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચેલી ટીમ ઈન્ડિયાની 5 ટેસ્ટમાં 2 જીત, 2 હાર અને એક ડ્રો છે. ઈંગ્લેન્ડ સામેની હાર બાદ પોઈન્ટ ટેબલમાં ભારતની જીતની ટકાવારી 43.33 થઈ ગઈ છે, જે પહેલા 50 હતી.
બાંગ્લાદેશ ભારતની ઉપર પહોંચી ગયું
પોઈન્ટ ટેબલમાં બાંગ્લાદેશ પણ ભારતથી ઉપર પહોંચી ગયું છે. બાંગ્લાદેશે 2માંથી 1 ટેસ્ટ જીતી છે અને 1 હાર્યું છે, તે 50 ટકા સાથે ચોથા સ્થાને છે. આની ઉપર ન્યૂઝીલેન્ડ ત્રીજા સ્થાને, દક્ષિણ આફ્રિકા બીજા સ્થાને અને ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને છે. ઓસ્ટ્રેલિયાની જીતની ટકાવારી 55 છે, જ્યારે બીજા અને ત્રીજા ક્રમે દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડની જીતની ટકાવારી 50-50 છે.
આ મેચથી ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ડેબ્યૂ કરનાર ટોમ હાર્ટલી ભારત માટે કાળ બન્યો હતો. બીજી ઇનિંગ્સ દરમિયાન જ્યારે ભારત 231 રનના લક્ષ્યનો પીછો કરવા મેદાનમાં ઉતર્યું ત્યારે ટોમ હાર્ટલીએ 7 વિકેટ ઝડપી હતી. હાર્ટલીની 7 વિકેટે ભારતની બેટિંગ લાઇનઅપને સંપૂર્ણપણે તોડી નાખી હતી.