Shubman Gill Jersey: ભારત-ઝિમ્બાબ્વે (IND vs ZIM) ODI સિરીઝની છેલ્લી મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં અદભૂત નજારો જોવા મળ્યો હતો. અહીં ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્રૈડ ઈવાન્સ ભારતીય ઓપનર શુભમન ગિલની જર્સી લઈને પહોંચ્યો હતો. આ જર્સી તેને શુભમન ગીલે આપી હતી. પ્રેસ કોન્ફરન્સમાં આ જર્સી બતાવતા બ્રૈડ ઈવાન્સે કહ્યું કે, તે શુભમન ગિલના સૌથી મોટા પ્રશંસકોમાંથી એક છે. ઈવાન્સે એ પણ જણાવ્યું કે, તે આ જમણા હાથના બેટ્સમેનને આટલો કેમ પસંદ કરે છે.


મને આ જર્સી શુભમન પાસેથી મળીઃ ઈવાન્સ


ઈવાન્સે કહ્યું, 'હું શુભમન ગિલના સૌથી મોટા પ્રશંસકોમાંથી એક છું અને તેથી જ મને આ જર્સી તેની પાસેથી મળી છે. તે વર્લ્ડ ક્લાસ ખેલાડી છે. તમે તેના વિશે પ્રથમ મેચ જોઈને જ કહી શકો છો. જો તે એક રન પણ લે છે, તો પણ તે બોલને તે દિશામાં મજબૂત રીતે ફટકારે છે જ્યાં તે તેને લેવા માંગે છે. તે એક કૌશલ્ય છે અને લાંબા સમય સુધી પ્રેક્ટિસ કર્યા બાદ આ કૌશલ્ય આવી શકે છે. તે કેટલો સારો ખેલાડી છે તે જોવા માટે હું તેને ઘણી વખત જોતો રહ્યો. તેથી જ હું તેનો ફેન છું. મેં તેને આઈપીએલમાં અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં રમતો પણ જોયો છે જ્યાં તેણે ટીમને જીત અપાવી હતી. ગિલ સામે બોલિંગ કરવાનો અનુભવ અદ્ભુત રહ્યો હતો.


છેલ્લી વનડેમાં બ્રૈડ ઈવાન્સની શાનદાર બોલિંગ


બ્રૈડ ઈવાન્સે ત્રીજી વનડેમાં 54 રન આપીને 5 વિકેટ લીધી હતી. જેમાં કેએલ રાહુલ, શિખર ધવન, દીપક હુડા અને શુભમન ગિલની વિકેટનો સમાવેશ થાય છે. ઇવાન્સે કહ્યું કે, મેં શુભમનને જર્સી એક્સચેન્જ કરવા માટે મેચની પહેલાં જ કહ્યું હતું. અને તે સંમત થયો હતો. મેચ પુર્ણ થયા પછી મેં તેને મારી જર્સી આપી અને તેણે મને તેની જર્સી આપી હતી. તે ખૂબ જ સારો વ્યક્તિ છે.


તમને જણાવી દઈએ કે ભારતે ત્રણ મેચની વનડે શ્રેણીમાં ઝિમ્બાબ્વેને 3-0થી હરાવ્યું હતું. શુભમન ગિલને છેલ્લી મેચમાં 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે તેને 'પ્લેયર ઓફ ધ સિરીઝ'નો એવોર્ડ પણ મળ્યો હતો.