નવી દિલ્હી: ઑસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર ધૂળ ચટાડ્યા બાદ વતનમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું જોરદાર સ્વાગત થઈ રહ્યું છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ટી નટરાજનને તેના ગામ તમિલનાડુના  ચિન્નાપામપટ્ટી પહોંચવા પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગામ પહોંચતાની સાથેજ લોકોએ તેને ફૂલહાર પહેરાવી અને રથમાં બેસાડીને રસ્તા પર તેની યાત્રા કાઢી હતી. મોટી સંખ્યામાં ગામના લોકો જોડાયા હતા અને તેનું સ્વાગત કર્યું હતું.

નટરાજન જ્યારે ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો હતો ત્યારે તેણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તે, ઓસ્ટ્રેલિયાથી પરત આવશે ત્યારે આ રીતે સ્વાગત થશે.


નટરાજનની પસંદગી નેટ બોલર તરીકે થઈ હતી. પરંતુ સતત ઈજાગ્રસ્ત થઈ રહેલા ખેલાડી બાદ તેને ટી20, વનડે અને ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. ઘણા વર્ષ બાદ ભારત તરફથી કોઈ ખેલાડીએ એક જ પ્રવાસમાં અલગ અલગ ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું છે.
ટી નટરાજનના બોલિંગની પ્રશંસા સૌ કોઈ કરી રહ્યું છે. તેના શાનદાર પ્રદર્શનના કારણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ શરુ થનારી ટેસ્ટ ટીમમાં પણ તેની પસંદગી કરવામાં આવી છે.