નવી દિલ્હીઃ ભારતના પૂર્વ આક્રમક બેટ્સમેન વીબી ચંદ્રશેખરનું 57 વર્ષની ઉંમરે નિધન થયું છે. ચંદ્રશેખરનું નિધન હાર્ટ એટેકના કારણે ચેન્નઈ સ્થિત તેના ઘરમાં થયું છે. પરંતુ કેટલાક મીડિયા અહેવાલ અનુસાર તેણે આત્મહત્યા કરી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ચંદ્રશેખરનું નિધન તેના 58માં જન્મદિવસથી 6 દિવસ પહેલા થયું છે. જણાવીએ કે, ચંદ્રશેખર ભારત માટે 1988થી 1990ની વચ્ચે સાત વનડે મેચ રમ્યા હતા.


વીબી ચંદ્રશેખરનું નિધન કેવી રીતે થયું તેને લઈને હાલમાં આશંકા છે. અલગ અલગ મીડિયા અહેવાલ અનુસાર બે વાતો સામે આવી રહી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અને એએનાઈના અહેવાલ અનુસાર વીબી ચંદ્રશેખરનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. એએનઆઈ સાથે વાત કરતાં તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ જણાવ્યું કે તેમનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.

ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર તેઓએ આત્મહત્યા કરી છે. ભારતીય ટીમના પૂર્વ ઓપનર વીબી ચંદ્રશેખર ગુરુવારે ચેન્નઈ સ્થિત પોતાના ઘરમાં મૃત હાલમાં મળી આવ્યા. માઇલાપોર સ્થિત તેમના ઘરમાં તેમનો મૃતદેહ પંખા સાથે લટકેલો મળ્યો. તેઓએ દેશ માટે 7 વનડે અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમની 43.09ની ઉત્તમ સરેરાશથી રમ્યા છે. તેમની ભારતના આક્રમક ઓપનર તરીકે ગણતરી કરવામાં આવતી હતી.



રિપોર્ટ મુજબ, ઇન્સ્પેક્ટર સેંથિલ મુરુગને જણાવ્યું કે ચંદ્રશેખરની પત્નીએ નિવેદન આપ્યું છે કે તેઓએ ચંદ્રશેખરના રૂમનો દરવાજો ખખડાવ્યો, પરંતુ ઘણા સમય સુધી કોઈ જવાબ ન મળ્યા બાદ તેઓએ બારીથી અંદર જોયું તો ચંદ્રશેખરનો મૃતદેહ પંખાથી લટકેલો હતો. ત્યારબાદ તેઓએ પોલીસને જાણ કરી. તેમની પત્ની સૌમ્યાએ જણાવ્યું કે ચા પીધા બાદ સાંજે 5.45 વાગ્યે પોતાના રૂમમાં ચાલ્યા ગયા હતા. ક્રિકેટ બિઝનેસમાં નુકસાન થવાના કારણે તેઓ અનેક દિવસોથી તણાવમાં હતા.

વીબી ચંદ્રશેખર તમિલનાડુ પ્રીમિયર લીગમાં વીબી કાંચી વીરંસ ટીમના માલિક હતા અને માનવામાં આવી રહ્યું છે કે આ ટીમને લઈને તેઓ આર્થિક તંગીનો શિકાર થઈ ગયા હતા. ચંદ્રશેખરના મોતના અહેવાલે ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું છે. અનિલ કુંબલે, હરભજન સિંહ અને સુરેશ રૈના જેવા ટીમ ઈન્ડિયાના વર્તમાન અને પૂર્વ ક્રિકેટરોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને આઈપીએલની ટીમ ચેન્નઈ સુપરકિંગ્સમાં લાવવાનો શ્રેય પણ વીબી ચંદ્રશેખરને જ જાય છે.