નવી દિલ્હીઃ સ્ટાર વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોની હાલમાં ટીમ ઇન્ડિયાથી દૂર છે. વર્લ્ડકપ 2019 બાદથી ધોનીએ એક પણ મેચ રમી નથી. તેની નિવૃત્તીને લઈને પણ ચર્ચાઓ થતી રહેતી હોય છે અને ઘણાં લોકોનું માનવું છે કે તેની કારકિર્દી હવે લગભગ પૂરી થઈ ગઈ છે. ટીમમાંથી બહાર થયા બાદ હવેા આઈપીએલમાંથી ધોનીની બહાર થવાની ચર્ચાઓ ચાલી રહી છે. તેને લઈને સોશિયલ મીડિયા પર જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે.


આઈપીએલની વાત કરવામાં આવે તો આગામી સિઝન માટે ફ્રેન્ચાઇઝી ટીમ ટ્રાન્સફર વિન્ડો દ્વારા ખેલાડીઓની અદલા-બદલી કરી ચૂકી છે. આ મુદ્દે ચેન્નાઈ સુપરકિંગ્સે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે કાલે એટલે કે ટ્રાન્સફર વિન્ડો બંધ થવાના અંતિમ દિવસે પાંચ ખેલાડીઓને રિલીઝ કરવા જઈ રહ્યું છે. તેના જવાબમાં એક પ્રશંસકે લખ્યું હતું કે નજીકના સૂત્રોના મતે ચેન્નાઈ સુપરકિંગ્સ મહેન્દ્રસિંહ ધોનીને રિલીઝ કરવાની યોજના બનાવી રહી છે. હવે તેનો ચેન્નાઈને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે.


ચેન્નાઈ સુપરકિંગ્સે આ પ્રશંસકની પોસ્ટ પર પ્રતિક્રીયા આપી હતી. ટીમે મજેદાર જવાબ આપતા કહ્યું હતું કે નજીકના સૂત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. આઈપીએલની ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નાઈએ પાંચ ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે. જ્યારે 20 ખેલાડીને યથાવત્ રાખ્યા છે. જે ખેલાડી રિલીઝ કર્યા છે તેમાં ત્રણ ભારતીય અને બે ઇંગ્લેન્ડના ખેલાડી છે. આ ખેલાડીઓમાં ચૈતન્ય બિશ્નોઈ, ધ્રુવ શૌરી, મોહિત શર્મા, ડેવિડ વિલી અને સેમ બિલિંગ્સનો સમાવેશ થાય છે.