ભારતીય પુરૂષ હોકી ટીમે તેનું શાનદાર પ્રદર્શન યથાવત રાખ્યું છે. ભારતીય ટીમે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022ની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ભારતીય ટીમ ત્રીજી વખત કોઈપણ કોમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં પહોંચી છે. ફાઇનલમાં હવે ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલના વિજેતા સાથે થશે. ભારતીય ટીમે શનિવારે રમાયેલી પ્રથમ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 3-2થી હરાવ્યું હતું. આ નિર્ણાયક સેમિફાઇનલ મેચમાં ભારતે હાફ ટાઇમ સુધી 2-0ની લીડ મેળવી લીધી હતી. ભારત તરફથી અભિષેક, મનદીપ સિંહ અને જુગરાજે ગોલ કર્યા હતા.
ત્રીજા ક્વાર્ટરમાં ભારતને મેચનો પાંચમો પેનલ્ટી કોર્નર મળ્યો, પરંતુ ભારતીય ટીમ આ તકને ગોલમાં બદલી શકી નહીં. ભારત બાદ દક્ષિણ આફ્રિકાને પણ મેચનો બીજો પેનલ્ટી કોર્નર મળ્યો હતો જેનો ભારતીય ટીમે સારી રીતે બચાવ કર્યો હતો. જોકે, દક્ષિણ આફ્રિકાએ તરત જ પોતાનું ખાતું ખોલાવ્યું હતું. જુલિયસે દક્ષિણ આફ્રિકા માટે આ ગોલ કર્યો હતો. આ ગોલ બાદ સાઉથ આફ્રિકાએ મેચમાં સ્કોર 1-2 કર્યો હતો.
મેચમાં પ્રથમ ગોલ કર્યા બાદ ભારતીય ટીમ દબાણમાં દેખાવા લાગી હતી. આ જ ક્વાર્ટરમાં દક્ષિણ આફ્રિકાને વધુ એક પેનલ્ટી કોર્નર મળ્યો હતો. પરંતુ ભારતીય ગોલકીપર પીઆર શ્રીજેશે દક્ષિણ આફ્રિકાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આના થોડા સમય બાદ વિકેક સાગર પ્રસાદ ઘાયલ થયો હતો.
ત્રીજા ક્વાર્ટરના અંતના થોડા સમય પહેલા ભારતને વધુ એક પેનલ્ટી કોર્નર મળ્યો, પરંતુ આ વખતે પણ દક્ષિણ આફ્રિકાનો ગોલકીપર ગોવન જોન્સ ટીમ માટે દિવાલ બનીને ઊભો રહ્યો. આ દરમિયાન કેપ્ટન મનપ્રીત સિંહને ગ્રીન કાર્ડ આપવામાં આવ્યું હતું. પરંતુ તે ત્રીજા ક્વાર્ટરના અંત પહેલા એક મિનિટમાં આવ્યો હતો. આ પછી ત્રીજા ક્વાર્ટરના અંત સુધી ભારતીય ટીમ 2-1થી આગળ હતી.
ભારતીય ટીમે ચોથા અને અંતિમ ક્વાર્ટરમાં પણ કેટલીક શાનદાર તકો ઉભી કરી હતી. ડિફેન્સમાં જોરદાર તાકાત બતાવતી ભારતીય ટીમ મેચમાં સતત આક્રમણ કરી રહી હતી. પરંતુ તે હજુ પણ 2-1થી લીડ પર હતી. મેચ સમાપ્ત થવામાં ચાર મિનિટ બાકી હતી ત્યારે દક્ષિણ આફ્રિકાએ પોતાના ગોલકીપરને હટાવીને 11 ખેલાડીઓ સાથે રમવાનું શરૂ કર્યું. આ પછી ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો અને જુગરાજે ગોલ કરીને ભારતની લીડ 3-1 કરી દીધી.
જોકે, દક્ષિણ આફ્રિકાએ પણ એક મિનિટ બાકી હતી ત્યારે બીજો ગોલ કરીને સ્કોર 2-3 પર લાવી દીધો હતો. જો કે ત્યાર બાદ ભારતે પોતાની લીડ જાળવી રાખી હતી અને 3-2થી જીત નોંધાવી હતી. ભારત 2010, 2014 અને હવે 2022માં કોમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં પહોંચ્યું છે.