Murali Sreeshankar Win Silver On Long Jump: ભારતના મુરલી શ્રીશંકરે મેન્સ લોંગ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો આ 19મો મેડલ છે. શ્રીશંકરે પુરુષોની લાંબી કૂદની ફાઇનલમાં 8.08 મીટરના શ્રેષ્ઠ જમ્પ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.






ભારતના લોંગ જમ્પર મુરલી શ્રીશંકરે ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારત માટે બીજો મેડલ જીત્યો છે. શ્રીશંકરે પુરૂષોની લાંબી કૂદની ફાઇનલમાં 8.08 મીટરના શ્રેષ્ઠ જમ્પ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે શ્રીશંકર કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં લાંબી કૂદ ઈવેન્ટમાં ભારત માટે મેડલ જીતનાર ભારતનો પ્રથમ પુરુષ એથ્લેટ બની ગયો છે.


મુરલી શ્રીશંકર પહેલા ભૂતપૂર્વ એથ્લેટ અંજુ બોબી જ્યોર્જ અને પ્રજુષા મલાઈખલે મહિલાઓમાં મેડલ જીત્યા છે. અંજુ બોબીએ 2002 કોમનવેલ્થ ગેમ્સમાં લાંબી કૂદમાં બ્રોન્ઝ જીત્યો હતો અને પ્રજુષાએ 2010 કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.


ઉલ્લેખનીય છે કે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતનો આ બીજો મેડલ છે. આ પહેલા તેજસ્વિન શંકરે ઉંચી કૂદમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.


અનીસ યાહિયા ફાઇનલમાં મેડલ મેળવવાથી ચૂકી ગયો


અન્ય એક ભારતીય એથ્લેટ મોહમ્મદ અનીસ યાહિયા ફાઇનલમાં મેડલ જીતવાથી ચૂકી ગયો. તે 7.97ના શ્રેષ્ઠ પ્રયાસ સાથે 6 પ્રયાસો બાદ પાંચમાં નંબરે રહ્યો. યાહિયાએ પ્રથમ ત્રણ પ્રયાસોમાં 7.72 મીટરનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો.જોકે તેનો પ્રથમ પ્રયાસ ફાઉલ હતો. બીજા પ્રયાસમાં તેણે 7.65 મીટરની છલાંગ લગાવી હતી. આ પછી ત્રીજામાં તેણે 7.72 મીટરની છલાંગ લગાવી. યાહિયાએ ચોથા પ્રયાસમાં 7.74 મીટર, પાંચમા પ્રયાસમાં 7.58 મીટર અને છઠ્ઠા પ્રયાસમાં 7.97 મીટર છલાંગ લગાવી હતી.