Sudhir Wins Gold In Para Powerlifting: ભારતના સુધીરે બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે પેરા પાવરલિફ્ટિંગમાં ભારતને પ્રથમ વખત ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ પહેલા ભારતે અત્યાર સુધી આ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો નહોતો. સુધીરે 134.5 પોઈન્ટ સાથે ગેમ્સ રેકોર્ડ બનાવ્યો હતો. સુધીર પેરા પાવરલિફ્ટિંગમાં ગોલ્ડ જીતનાર ભારતનો પ્રથમ એથ્લેટ બન્યો છે.
ભારતના પેરા પાવરલિફ્ટર સુધીરે પુરુષોની હેવીવેઇટ કેટેગરીમાં 212 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. 87.30 કિલો વજન ધરાવતા સુધીરે પ્રથમ પ્રયાસમાં 14 રેકની ઊંચાઈ સાથે 208 કિલો વજન ઉપાડ્યું. આ પછી સુધીરે બીજા પ્રયાસમાં 212 કિલો વજન ઉપાડ્યું હતું. આ સાથે જ સુધીર 134.5 પોઈન્ટ સાથે ટોપ પર રહ્યો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
દેશને 20 મેડલ મળ્યા
ઉલ્લેખનીય છે કે 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને આ છઠ્ઠો ગોલ્ડ મેડલ મળ્યો છે. આ પહેલા મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શ્યુલી, વિમેન્સ લૉન બોલ ટીમ અને ટેબલ ટેનિસ મેન્સ ટીમે ગોલ્ડ જીત્યો હતો. આ સાથે જ આ કુલ 20મો મેડલ છે.
મુરલી શ્રીશંકરે લાંબી કૂદમાં સિલ્વર જીત્યો હતો
ભારતના મુરલી શ્રીશંકરે મેન્સ લોંગ જમ્પમાં શાનદાર પ્રદર્શન કરી સિલ્વર મેડલ જીત્યો છે. તેણે ટ્રેક એન્ડ ફિલ્ડમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો આ 19મો મેડલ છે. શ્રીશંકરે પુરુષોની લાંબી કૂદની ફાઇનલમાં 8.08 મીટરના શ્રેષ્ઠ જમ્પ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે શ્રીશંકર કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં લાંબી કૂદ ઈવેન્ટમાં ભારત માટે મેડલ જીતનાર ભારતનો પ્રથમ પુરુષ એથ્લેટ બની ગયો છે.