નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાના ઝડપી  બોલર ડેલ સ્ટેઇનની  ગણતરી દુનિયાના સૌથી ઘાતક ઝડપી બોલરોમાં  થાય છે. આ વર્ષે વર્લ્ડકપ બાદ તેમણે વન-ડે ક્રિકેમાં ધ્યાન આપવા માટે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કરી દીધું હતું. આઇપીએલ 2020 અગાઉ સ્ટેઇનને તેની ફ્રેન્ચાઇઝી બેંગલુરુએ રીલિઝ કરી દીધો છે. રીલિઝના એક દિવસ બાદ તેણે સોશિયલ મીડિયા પર ફેંન્સના સવાલોના જવાબો આપ્યા હતા.


ડેલ સ્ટેઇનને એક યુઝરે પૂછ્યું કે તેમના મતે હાલમાં હાલમાં ક્યો બોલર દુનિયામાં સૌથી શાનદાર છે. જેના જવાબમાં સ્ટેઇને ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીનું નામ લીધું હતું. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી શમીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ સ્થાનિક સીરિઝમાં  ત્રણ મેચમાં 14 વિકેટ ઝડપી ત્યારબાદ બાંગ્લાદેશ સામે પ્રથમ મેચમાં સાત વિકેટ ઝડપી હતી.

ડેલ સ્ટેઇનની ગણના ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વના સૌથી શ્રેષ્ઠ ફાસ્ટ બોલર્સમાં થાય છે. તે સતત 150 કિમીની ઝડપે બોલિંગ કરી શકે છે. ફેન્સે જ્યારે પૂછ્યું કે કયા બેટ્સમેન સામે બોલિંગ કરવામાં મુશ્કેલી થાય છે? તેના જવાબમાં તેણે વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેઇલ, ઈંગ્લેન્ડના કેવિન પીટરસન અને દક્ષિણ આફ્રિકા ટીમના સાથી એબી ડિવિલિયર્સનું નામ લીધું હતું. એબીએ આઈપીએલમાં અનેક વખત તેની ધોલાઈ કરી છે. બંને ખેલાડીઓએ એક સાથે ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી.