ઓસ્ટ્રેલિયન સ્ટાર ડેવિડ વોર્નરે આગામી ટી20 વર્લ્ડકપને જીતવા માટે દરેક ટીમોને ઉદ્દેશીને એક ખાસ ફૉર્મ્યૂલા આપી છે. તેના મતે ટી20 વર્લ્ડકપમાં છગ્ગા-ચોગ્ગા ફટકારીને વર્લ્ડકપ નહીં જીતી શકાય.
વોર્નરનું કહેવુ છે કે, ઓસ્ટ્રેલિયામાં રમાનારો આગામી ટી20 વર્લ્ડકપ જીતવો હોય તો ચોગ્ગા-છગ્ગા કે ફટકાબાજી નહીં ચાલે, આ માટે દરેક ટીમે રનિંગ બીટવિન ધ વિકેટ સારી કરવી પડશે. સારી રનિંગ અને સ્ટ્રાઇક રૉટેટ કરવાથી જ ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપ જીતી શકાશે. કેમકે વોર્નરના મતે ઓસ્ટ્રેલિયાના ગ્રાઉન્ડ ખુબ મોટા છે, બાઉન્ડ્રી ફટકારવી જોખમકારક બની શકે છે. વોર્નરે એમ પણ કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં આઇપીએલ સ્ટાઇલથી બેટિંગ કરવી યોગ્ય નહીં રહે.
ઉલ્લેખનીય છે કે, વૉર્નરે તાજેતરમાં જ શ્રીલંકા સામેની ટી20 મેચમાં 4 છગ્ગા અને 10 ચોગ્ગાની વિસ્ફોટક ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને જીતાડી હતી. મેચમાં વૉર્નરે 56 બૉલમાં સદી પુરી કરી દીધી હતી.