રિયો ડી જેનેરિયો: બ્રાઝિલના રિયોમાં ચાલી રહેલા પેરાઓલંપિકમાં ભારતની દીપા મલિકે દમદાર પર્ફોર્મંસ આપીને શોટપુટ ઇવેંટમાં સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચી દીધો છે. 45 વર્ષની દીપાએ 4.61 મીટર ગોળા ફેંકમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. દેશ માટે પેરાઓલંપિક્સમાં મેડલ જીતનારી દિપા પહેલી મહિલા છે.  કરોડરજ્જુમાં ટ્યુમર હોવાથી દીપાના શરીરનો નીચેનો ભાગ કામ કરતો બંધ થઇ ગયો હતો..પણ હાર ન માનનાર દીપાએ પેરાઓલંપિકમાં સિલ્વર મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે.

દિપા પેરાપ્લેજિક છે. દિપાનું કમરથી નીચેનું શરીર લકવાગ્રસ્ત છે. તે બે બાળકોની માતા છે અને તેમના પતિ આર્મી ઓફિસર છે. 17 વર્ષ પહેલા દિપાને કરોડરજ્જુના ટ્યુમરના કારણે ચાલવામાં તકલીફ પડવા લાગી હતી. આ ટ્યુમરના ઓપરેશન માટે દિપાને 31 સર્જરી કરાવવી પડી હતી. જેને માટે દિપાના કમરથી પગના ભાગની વચ્ચે 183 ટાંકા લીધા છે.  શોટપુટ ઉપરાંત દિપાએ ભાલા ફેંક અને સ્વિમિંગ પણ કરે છે.

હરિયાણા સ્પોર્ટ્સ સ્કીમ તરફથી દિપાને ચાર કરોડ રૂપિયા ઈનામમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે.