નવી દિલ્હીઃ રવિવારે રાત્રે નાગપુરમાં રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં ભારતે બાંગ્લાદેશને 30 રને હાર આપીને 3 મેચની સીરિઝ 2-1થી પોતાના નામે કરી હતી. 175 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં બાંગ્લાદેશ 144 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારત તરફથી ફાસ્ટ બોલર દિપક ચહરે શાનદાર પ્રદર્શન કરતા 3.2 ઓવરમાં 7 રન આપી હેટ્રિક સહિત કુલ 6 વિકેટ ઝડપી હતી. ચહરને તેના આ શાનદાર દેખાવનો ફાયદો થયો છે.




ચહર T 20 રેન્કિંગમાં 130માં સ્થાનથી 88 સ્થાનની છલાંગ સાથે ટોપ 50 બોલર્સમાં સામેલ થયો છે અને તે બોલર્સ રેન્કિંગમાં 42મા સ્થાને પહોંચી ગયો છે. જોકે બોલર્સ રેન્કિંગમાં સ્લો-બોલર્સનો દબદબો રહ્યો છે. ટોપ-9માંથી 8 સ્પિનર્સ છે.



રાશિદ ખાન 757 પોઈન્ટ્સ સાથે નંબર 1 અને મિચેલ સેન્ટનર 700 પોઈન્ટ્સ સાથે વર્લ્ડ નંબર 2 બોલર છે. રવિવારે દિપક ચહર ભારત માટે T-20માં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો હતો. તેના પ્રદર્શન થકી ભારતે 2-1થી સીરિઝ પોતાના નામે કરી હતી.