દીપક ચાહરનું વેસ્ટ ઈન્ડિઝ સામે કટક ખાતે રમાનારા ખરેખરીના વન ડે મુકાબલા પહેલા જ ઈજાગ્રસ્ત થવું ટીમ ઈન્ડિયા માટે મોટો આંચકો માનવામાં આવે છે. બીસીસીઆઈએ એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી વન ડે મેચ બાદ ચાહરને પીઠના નીચેના ભાગમાં દુખાવાની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ મેડિકલ ટીમે તેને આરામ કરવાની સલાહ આપી છે.
ચેન્નાઈમાં રમાયેલી પહેલી વનડેમાં વેસ્ટ ઈન્ડીઝ ટીમે આઠ વિકેટે વિજય મેળવ્યો હતો. જ્યારે બુધવારે વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી વનડેમાં ભારતીય ટીમે 107 રનથી ભવ્ય વિજય મેળવ્યો હતો. વિઝાગ મેચ બાદ દીપક ચાહરે લોઅર બેકમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી અને ફિઝિયોએ ચાહરને આરામ કરવાની સલાહ આપી છે.
સીરીઝની ત્રીજી મેચ 22 ડિસેમ્બરના રોજ કટકમાં રમાશે. બંને ટીમો વચ્ચે રમાયેલી બીજી વનડેમાં ભારતીય ટીમે જબરજસ્ત પરફોર્મન્સ આપ્યું હતું. આ મેચમાં જ્યાં ભારતીય ટીમના બંને ઓપનીંગ બેટ્સમેનો રોહિત શર્મા અને કેએલ રાહુલે સદી ફટકારી હતી. તેમજ ચાઈનામેન બોલર કુલદીપ યાદવે આ મેચમાં હેટ્રિક લીધી હતી. કુલદીપ યાદવ વનડેમાં બે હેટ્રિક ઝડપનારો પહેલો ભારતીય બન્યો છે. બીજી વનડેમાં ભારતે પહેલા બેટિંગ સ્વીકારતા 50 ઓવરમાં પાંચ વિકેટના નુકશાન પર 387 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો.