નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલ આઈસીસી અંડર 19 વર્લ્ડ કપમાં ઇન્ડિયા સામે શ્રીલંકાની ટીમ ભલે 90 રને મેચ હારી ગઈ, પરંતુ આ ટીમના ફાસ્ટ બોલરે બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. આ બોલર છે મથીશા પથિરાના. પથિરાનાએ રવિવારે રમાયેલ મેચમાં ભારીય બેટ્સમેન યશસ્વી જાયસવાલેને 175 કિલોમીટરની સ્પીડે બોલ ફેંક્યો. જોકે બાદમાં એ સ્પષ્ટ થયું કે રેકોર્ડની ભૂલને કારણે આ સ્પીડ જોવા મળી હતી.

શ્રીલંકાના યુવા ફાસ્ટ બોલર મથીશા પાથિરાનાનો આ બોલ વાઈડ હતો. બાદમાં એ જાણવા મળ્યું કે, બોલની સ્પીડ નોંધતી મશીનમાં કંઈક ખામી હતી જેના કારણે મશીને શરૂઆતમાં બોલની ગતિ 175 કિલોમીટર પ્રતિ કલાકની દર્શાવવામાં આવી હતી. જોકે ICC તરફથી પણ હજુ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.


ભારતીય ટીમે વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચમાં શ્રીલંકાની ટીમને 90 રનથી હરાવી ટૂર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી. ભારતીય અન્ડર-19 ટીમે 4 વિકેટે 297 રન બનાવ્યા જ્યારબાદ શ્રીલંકન ટીમ 45.2 ઓવરમાં 207 પર ઑલઆઉટ થઈ ગઈ.



અત્યાર સુધી સૌથી ફાસ્ટ બોલ ફેંકવાનો રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરના નામે છે. તેણે 2003ના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 161.3 કિમી પ્રતિ કલાકની સ્પીડે બોલ ફેંક્યો હતો.