રમતમાં ડોપિંગને કોઈ સ્થાન નથી અને ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ થનાર એથલીટ્સને કડક સજા આપવામાં આવે છે. પરંતુ જો કોઈ એથલીટ્સની જગ્યાએ આખો દેશ જ ડોપિંગનો દોષી સાબિત થાય તો? એનો જવાબ ગઈકાલે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીએ રશિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ લગાવીને આપ્યો છે.
આ નિર્ણયને પગલે હવે રશિયા આગામી વર્ષે ટોક્યોમાં યોજાનાર ઓલિમ્પિક અને 2022 બેઈઝિંગ વિંટર ઓલિમ્પિકમાં ભાગ નહી લઈ શકે. વાડાએ રશિયા પર એક ડોપિંગરોધી પ્રયોગશાળામાં ખોટા આંકડા આપવાનો આરોપ લગાવ્યો છે, અને આ કારણે તેના પર ચાર વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. વાડાની લુસાનામાં કાર્યકારી સમિતીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રશિયા 1996 બાદથી સળંગ ઓલિમ્પિકમાં ઉતરી રહ્યું છે. ગત 20 વર્ષમાં રશિયન ખેલાડીઓએ દુનિયાને પોતાનો જોશ બતાવ્યો છે. ઓલિમ્પિકમાં રશિયાએ અત્યાર સુધીમાં 195 ગોલ્ડ, 163 સિલ્વર અને 188 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
આ પહેલા ગત મહિને વાડાના તપાસકર્તાઓ અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ કહ્યું હતું કે, રશિયાના અધિકારીઓએ કેટલાક સંભવિત ડોપિંગ મામલાને છુપાવવા અને આ મામલાનો ખુલાસો કરનારા લોકો પર દોષ નાખવા માટે મોસ્કો લેબોરેટરીના ડેટાબેસમાં છેડછાડ કરી છે. આઈઓસીએ કહ્યું હતું કે, મોસ્કો લેબના ડેટામાં ખુલેલી દગાબાજી દુનિયાભરમાં ચાલી રહેલા રમતના આંદોલનનું અપમાન છે.