બર્મિંઘમઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ભારતને 31 રને હારનો સામનો કરવો પડ્યો છે. ચોથા દિવસની શરૂઆતમાં જ ભારતે દિનેશ કાર્તિકની વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ ટીમને સ્થિરતા આપવાનો પ્રયત્ન કર્યો હતો. કોહલી 51 રનના અંગત સ્કોરે બેન સ્ટોક્સનો શિકાર બન્યો હતો. જે બાદ તે જ ઓવરમાં સ્ટોક્સે શમીને પણ પેવેલિયન મોકલી દીધો હતો. ઈશાંત શર્મા 11 રન બનાવી રશિદની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થતાં ભારતે નવમી વિકેટ ગુમાવી હતી. હાર્દિક પંડ્યા 10મી વિકેટના રૂપમાં 31 રન બનાવી આઉટ થયો હતો. બેન સ્ટોક્સે 4 વિકેટ લીધી હતી.
જીતવા 194 રનના ટાર્ગેટનો પીછો કરતાં ત્રીજા દિવસના અંત સુધીમાં 110 રનના સ્કોર સુધીમાં મુરલી વિજય 6, અજિંક્ય રહાણે 2 અને શિખર ધવન, લોકેશ રાહુલ અને રવિચંદ્રન અશ્વિન 13-13 રન બનાવી પેવેલિયન પ2ત ફર્યા હતા. સ્ટુઅર્ટ બ્રોડે 2 અને બેન સ્ટોક્સ, સેમ કુર્રાન અને જેમ્સ એન્ડરસન 1-1 વિકેટ લીધી હતી.
આ પહેલા ઇંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં 53 ઓવરમાં 180 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડની ટીમના 8 નંબર પર બેટીંગ કરવા આવેલા સૈમ કુરેને સૈથી વધુ 63 રન બનાવ્યા હતા. તેણે 54 બોલમાં તેની અર્ધસદી પૂરી કરી હતી. ભારતની તરફથી ઇશાંત શર્માએ 5, રવિચંદ્રન અશ્વિને 3 અને ઉમેશ યાદવે 2 વિકેટ લીધી હતી.