ફિફા વર્લ્ડ કપ 2022માં પોર્ટુગલ અને ઉરુગ્વે વચ્ચેની મેચ ખૂબ રોમાંચક રહી હતી. જોકે આ મેચને લઇને વિવાદ પેદા થયો છે. વિશ્વના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને લઈને એક મોટો વિવાદ ઉભો થયો છે. પોર્ટુગલ અને ફેડરેશન પણ તેના સમર્થનમાં સામે આવ્યું છે. હવે આ વિવાદ ફિફા સુધી પહોંચે તેવી સંભાવના છે.






વાસ્તવમાં સોમવારે (28 નવેમ્બર) પોર્ટુગલ અને ઉરુગ્વે વચ્ચેની મેચ રમાઇ હતી, જેમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ પોર્ટુગલ 2-0થી જીતી હતી. આ મેચનો હીરો પોર્ટુગીઝ મિડફિલ્ડર બ્રુનો ફર્નાન્ડિસ હતો, જેણે પોતાની ટીમ માટે બે ગોલ કર્યા હતા.


વાસ્તવમાં બ્રુનોએ મેચનો પ્રથમ ગોલ 54મી મિનિટે કર્યો હતો. જ્યારે બ્રુનોએ બોલને ક્રોસ હિટ કર્યો ત્યારે બોલ સીધો ગોલપોસ્ટની પાસે ગયો હતો. ત્યારે ત્યાં રોનાલ્ડો ઉભો હતો અને તેણે બોલને હેડ મારવાનો પ્રયાસ કર્યો હતો. બોલ સીધો ગોલ પોસ્ટમાં જતો રહ્યો હતો. અહી પહેલા ગોલ પોતે કર્યો હોવાનું સમજીને રોનાલ્ડો ઉજવણી કરવા લાગ્યો હતો.


પછી જ્યારે રેફરીએ ગોલની તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે તે ગોલ રોનાલ્ડોએ નહીં પરંતુ બ્રુનો ફર્નાન્ડિસે કર્યો હતો.  બાદમાં તેને ગોલ આપવામાં આવ્યો હતો. પરંતુ પ્રથમ ફ્રેમમાં એવું લાગી રહ્યું હતું કે જાણે બોલ રોનાલ્ડોના માથાને અડીને ગોલ પોસ્ટમાં ગયો હતો.  પરંતુ રેફરીએ તપાસ કરતાં જાણવા મળ્યું કે બ્રુનોની કિકથી બોલ સીધો ગોલ પોસ્ટમાં ગયો હતો.


હવે પોર્ટુગલ ફેડરેશન ફીફાને ફરિયાદ કરશે


મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રેફરી સિવાય પોર્ટુગલ ફેડરેશનનું માનવું છે કે આ ગોલ રોનાલ્ડોનો હતો. તે આ વાતનો પુરાવો આપવા પણ તૈયાર છે. પોર્ટુગલે હવે આ અંગે ફિફામાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે.  


બ્રુનો ફર્નાન્ડિસે આ મામલે કહ્યું હતું કે મને નથી લાગતું કે કોણે ગોલ કર્યો તેનાથી કોઈ ફરક પડતો નથી. તે સમયે મને લાગ્યું કે રોનાલ્ડોએ બોલને સ્પર્શ કર્યો છે. હું તેને બોલ પાસ કરી રહ્યો હતો. પરંતુ સૌથી મહત્વની વાત એ હતી કે અમે મજબૂત ટીમ સામે મેચ જીતી હતી. અમારું એક જ લક્ષ્ય છે કે અમે આગળની બધી મેચો જીતીએ. નોંધનીય છે કે પોર્ટુગલે આ વર્લ્ડ કપમાં પોતાની શરૂઆતની મેચો જીતી લીધી છે. પ્રથમ મેચમાં ઘાનાને 3-2થી હરાવ્યા બાદ હવે તેણે ઉરુગ્વેને 2-0થી હરાવ્યું છે.