France vs Argentina, Final Live: આર્જેન્ટીનાએ ઈતિહાસ રચ્યો, પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને હરાવી બન્યું વર્લ્ડ ચેમ્પિયન

ફિફા વર્લ્ડ કપ 2022માં આજે ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે મહામુકાબલો છે. બંને ટીમોએ  ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

gujarati.abplive.com Last Updated: 18 Dec 2022 11:39 PM
આર્જેન્ટિનાએ ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને ટાઇટલ જીત્યું

ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને ટાઇટલ જીત્યું છે. આર્જેન્ટિના માટે છેલ્લો વર્લ્ડ કપ રમી રહેલા લિયોનેલ મેસ્સીએ પોતાની વર્લ્ડ કપ કારકિર્દીનો શાનદાર રીતે અંત કર્યો છે. નિયમિત સમયમાં સ્કોર 2-2 અને વધારાના સમયમાં 3-3ની બરાબરી પર રહ્યો હતો. આ પછી પેનલ્ટી શૂટ-આઉટમાં આર્જેન્ટિનાએ શાનદાર પ્રદર્શન કરીને મેચ જીતી લીધી હતી.

આર્જેન્ટિનાની ટીમે વર્લ્ડ કપમાં જીતી ઈતિહાસ રચ્ચો

આર્જેન્ટિનાની ટીમે વર્લ્ડ કપ ઈતિહાસમાં ત્રીજું ટાઈટલ જીત્યું છે. મેસ્સીની કપ્તાની હેઠળની આ આર્જેન્ટિનાની ટીમ અગાઉ 1978 અને 1986માં ટાઈટલ જીતી ચૂકી છે. પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને હરાવીને આર્જેન્ટીનાની ટીમે ઈતિહાસ રચી દિધો છે. 

એમ્બાપેએ ફ્રાન્સની વાપસી કરાવી

વધારાના સમયના બીજા હાફમાં Mbappeએ ગોલ કરીને ફ્રાન્સને મેચમાં પરત લાવી દીધું હતું. આ મેચમાં એમ્બાપ્પેનો આ ત્રીજો ગોલ છે. આ સાથે તે વર્લ્ડ કપ ફાઇનલમાં ત્રણ ગોલ કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. મેચ હવે 3-3 થી બરાબર છે.

ફાઇનલ મુકાબલો  એક્સટ્રા ટાઈમમાં પહોંચ્યો

આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે રમાઈ રહેલી ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચ એક્સટ્રા ટાઈમમાં પહોંચી ગઈ છે. ટાઈટલ મેચ 90 મિનિટ સુધી 2-2 થી બરાબર રહી હતી. હવે વધારાના સમયમાં 15-15 મિનિટના બે ભાગ હશે. જો આગામી 30 મિનિટ સુધી પણ મેચ સમાન રહે છે, તો પેનલ્ટી શૂટઆઉટ દ્વારા વિજેતા નક્કી કરવામાં આવશે.

વધુ આઠ મિનિટ આપી

ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ ખૂબ જ રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. આર્જેન્ટિના, જે પહેલા એક કલાકથી વધુ સમય સુધી 2-0થી આગળ હતું, તે હવે મેચની અંતિમ ક્ષણોમાં ખૂબ જ ડિફેંસિવ દેખાઈ રહી છે. ફ્રાન્સે બે બેક ટુ બેક ગોલ કરીને શાનદાર વાપસી કરી હતી અને મેચ 2-2થી બરાબરી કરી હતી. હવે મેચમાં વધુ 8 મિનિટનો ઉમેરો થયો છે.

મેચ 2-2ની બરાબરી પર

એમ્બાપેએ શાનદાર ગોલ કરી મેચનું પાસુ પલટી નાખ્યું છે. હાલ આર્જેન્ટીના અને ફ્રાન્સની મેચ 2-2ની બરાબરી પર આવી ગઈ છે.  થોડી મિનીટોમાં ફ્રાન્સની ટીમે 2 ગોલ ફટકારીને મોટો ઉલટફેર સર્જી દિધો છે. 

ફ્રાન્સને બીજા હાફમાં પહેલો કોર્નર મળ્યો હતો

બીજા હાફમાં ફ્રાન્સે જોરદાર રમત બતાવી હતી. ચાહકોને આશ્ચર્ય થશે કે ફ્રાન્સને મેચમાં પ્રથમ કોર્નર બીજા હાફમાં જ મળ્યો હતો. 51મી મિનિટમાં આ કોર્નરમાં ફ્રાન્સની ટીમ કંઈ ખાસ કમાલ કરી શકી નહી અને આર્જેન્ટિનાના ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝ આ શોટને નિષ્ફળ કર્યો.

આર્જેન્ટિના 2-0થી આગળ છે

2022 ફિફા વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં આર્જેન્ટિનાની ટીમ હાફ ટાઈમ સુધી ફ્રાન્સથી 2-0થી આગળ છે. આર્જેન્ટિના તરફથી લિયોનેલ મેસીએ પહેલો અને ડી મારિયાએ બીજો ગોલ કર્યો હતો.

આર્જેન્ટિનાએ બીજો ગોલ કર્યો

મેસીના ગોલ બાદ આર્જેન્ટિનાએ બીજો ગોલ કરી લીધો છે અને ફ્રાન્સ પર 2-0થી સરસાઈ મેળવી લીધી છે. આર્જેન્ટિનાના એન્જલ ડી મારિયાએ 36મી મિનિટે બોલને ગોલપોસ્ટમાં નાખ્યો અને પોતાની ટીમનો બીજો ગોલ કર્યો. આ પહેલા લિયોનેલ મેસીએ 23મી મિનિટે ગોલ કર્યો હતો.

મેસીનો શાનદાર ગોલ

આર્જેન્ટિનાને 22મી મિનિટે પેનલ્ટી મળી, જેને કેપ્ટન લિયોનેલ મેસીએ લીધી. આના પર મેસ્સીએ ગોલ કરીને પોતાની ટીમ આર્જેન્ટિનાને મેચમાં 1-0ની લીડ અપાવી હતી. ફ્રાન્સના કેપ્ટન અને ગોલકીપર લોરિસ મેસ્સીની પેનલ્ટી ચૂકી ગયા અને મેસ્સીએ આ વર્લ્ડ કપમાં છઠ્ઠો ગોલ કર્યો.

પ્રથમ 10 મિનિટમાં કોઈ ગોલ થયો ન હતો

2022 ફિફા વર્લ્ડ કપ ફાઈનલની પ્રથમ 10 મિનિટ રમાઈ ગઈ છે. ફ્રાન્સ અને આર્જેન્ટિના બંનેના ખેલાડીઓ ગોલ કરવામાં વ્યસ્ત છે. જો કે, પ્રથમ 10 મિનિટમાં કોઈ ગોલ નથી. સ્કોર 0-0થી બરાબર છે.

પ્રથમ હાફની રમત શરૂ

ફિફા વર્લ્ડ કપ 2022માં આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે ફાઈનલ મેચ શરૂ થઈ ગઈ છે. પ્રથમ હાફમાં બંન્ને ટીમોની નજર ગોલ પર રહેશે અને લીડ મેળવવા માટે. આ મેચમાં તમામની નજર આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સી અને ફ્રેંચ સ્ટાર કિલિયન એમબાપ્પે પર છે.

ફાઈનલ માટે ચાહકો ઉત્સાહિત છે


સમાપન સમારોહની એક ઝલક જુઓ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે રમાનારી ટાઈટલ મેચ જોવા માટે લુસેલ પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે 2022 ફિફા વર્લ્ડ કપની ફાઈનલ મેચ ભારતના સમય અનુસાર સવારે 8.30 વાગ્યાથી લુસેલ સ્ટેડિયમમાં રમાશે.

આર્જેન્ટિનાની શરૂઆતની XI

આર્જેન્ટિના શરુઆતની XI: એમિલિયાનો માર્ટિનેઝ (ગોલકીપર), નાહુએલ મોલિના, ક્રિસ્ટિયન રોમેરો, નિકોલસ ઓટામેન્ડી, નિકોલસ ટૈગેલિયાફિકો, રોડ્રિગો ડી પોલ, એન્ઝો ફર્નાન્ડીઝ, એલેક્સિસ મેકએલિસ્ટર, એન્જલ ડી મારિયા, લિયોનેલ મેસી (કેપ્ટન)

ફ્રાન્સની શરૂઆતની XI

ફ્રાન્સની શરૂઆતની ઈલેવન - હ્યુગો લોરિસ (ગોલકીપર, કેપ્ટન), જુલ્સ કુંડે, રાફેલ વરાન, ડાયોટ ઉપામેકાનો, થિયો હર્નાંડેઝ, એન્ટોની ગ્રીઝમેન, ઓરેલીન ટચૌમેની, એડ્રિયન રાબિયો, ઓસમાન ડેમ્બેલે, ઓલિવિયર ઝિરુડ અને કિલિયન એમબાપ્પે.


 

ફિફા વર્લ્ડકપ 2022 ની આજે ફાઇનલ મેચ

કતાર દ્વારા આયોજિત ફિફા વર્લ્ડકપ 2022 ની આજે ફાઇનલ મેચ રમાશે. આર્જેન્ટીના અને ફ્રાન્સ વચ્ચે મહામુકાબલો છે.   જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સનો મુકાબલો લિયોનેલ મેસ્સીની ટીમ આર્જેન્ટિના સામે થશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યાથી રમાશે.

બ્રેકગ્રાઉન્ડ

FIFA WC 2022 Final, France vs Argentina: ફિફા વર્લ્ડ કપ 2022માં આજે ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે મહામુકાબલો છે. બંને ટીમોએ  ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. બંને વચ્ચેની આજે ફાઈનલ રમાશે. ફિફા ટ્રોફી ઉપરાંત, આ મેચ જીતનાર ટીમને ઇનામ તરીકે મોટી રકમ પણ આપવામાં આવશે.  એમ્બાપેની ફ્રાન્સ ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં લિયોનેલ મેસીની આર્જેન્ટિના સામે ટકરાશે. 


મેસ્સી દેશવાસીઓને આપવા માંગશે મોટી ભેટ


35 વર્ષીય લિયોનેલ મેસ્સી માટે આ છેલ્લો વર્લ્ડકપ હોઈ શકે છે. તેણે પોતે પણ આ હકીકત સ્વીકારી છે. આવી સ્થિતિમાં આ અનુભવી ફૂટબોલર તેની છેલ્લી ટૂર્નામેન્ટમાં ખિતાબ જીતીને દેશવાસીઓ અને ચાહકોને મોટી ભેટ આપવા માંગે છે.


મેસ્સી ગોલ્ડન બૂટની રેસમાં સૌથી આગળ છે


આ વર્લ્ડકપમાં અત્યાર સુધી લિયોનેલ મેસ્સી ગોલ્ડન બૂટની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. જોકે મેસ્સી અને ફ્રાન્સના કિલિયન એમ્બાપેએ સૌથી વધુ 5-5 ગોલ કર્યા છે. પરંતુ અસિસ્ટ મામલે મેસ્સીનો હાથ ઉપર હોય તેમ જણાય છે. જો ફાઈનલ પછી ગોલ ટાઈ થાય છે, તો આસિસ્ટ્સને પણ ધ્યાનમાં લેવામાં આવશે. આ ક્ષણે મેસ્સીએ ત્રણ ગોલમાં મદદ કરી છે જ્યારે એમ્બાપેએ માત્ર બે જ ગોલમાં મદદ કરી છે. આવી સ્થિતિમાં મેસ્સીનું પલડું થોડું ભારે લાગે છે.


આર્જેન્ટિના-ફ્રાસે અત્યાર સુધી 2-2 ટાઇટલ જીત્યા છે


વર્લ્ડ કપના ઈતિહાસમાં અત્યાર સુધી ફ્રાન્સ અને આર્જેન્ટિનાએ 2-2 વખત ટાઈટલ જીત્યું છે. ફ્રાન્સની ટીમ 1998 અને 2018માં ચેમ્પિયન બની હતી. જ્યારે આર્જેન્ટિનાએ 1978 અને 1986નો ખિતાબ જીત્યો હતો. આ સિવાય આર્જેન્ટિના ત્રણ વખત (1930, 1990, 2014) રનર અપ પણ રહી છે. જ્યારે ફ્રાન્સ 2006માં રનર અપ હતું. આર્જેન્ટિના માટે આ છઠ્ઠી અને ફ્રાન્સ માટે ચોથી ફાઈનલ હશે.


જો આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેની અત્યાર સુધીની મેચ જોવામાં આવે તો આમાં મેસ્સીની ટીમનો જ હાથ ઉપર હોય તેવું લાગે છે. ફ્રાન્સ અને આર્જેન્ટિના બંને ટીમો અત્યાર સુધી 12 મેચમાં આમને-સામને આવી ચુકી છે. આમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિનાએ 6 વખત જીત મેળવી છે જ્યારે ફ્રાન્સ માત્ર 3 મેચ જીતી શક્યું છે. બાકીની ત્રણ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે.


 




- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.